ગૃહ મંત્રાલયે કેન્દ્ર અને રાજ્યોની તમામ એજન્સીઓને એક મંચ પર લાવીને નાગરિકોની આર્થિક છેતરપિંડી કરવાની સાથે દેશની સુરક્ષા સામે પડકાર ઉભો કરી રહેલાં સાયબર ગુનેગારોને પકડવા માટે એક મોટી કાર્યવાહીની તૈયારી કરી છે.
સરકાર માને છે કે સાયબર સુરક્ષા હવે માત્ર ડિજિટલ વિશ્વ પુરતી મર્યાદિત નથી રહી પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષાનું એક મહત્વપૂર્ણ પાસું બની ગયું છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરે શંકાસ્પદ ગુનેગારોના ડેટા તૈયાર કરીને સાયબર ક્રાઇમને રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, 85 ટકા ફરિયાદો નાણાકીય ગુનાઓ સાથે સંબંધિત છે. સાયબર ક્રાઈમને રોકવા માટે ગૃહ મંત્રાલયે ત્રણ વિશેષ પહેલ કરી છે. આ અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગુનાની પદ્ધતિઓ ઓળખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગુનેગારોની કુંડળી તૈયાર કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યો વચ્ચે સંકલન વધારવામાં આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવાં ગુનાઓને રોકવા માટે સંકલન વધારવાના માર્ગો શોધવામાં આવી રહ્યાં છે.
સાયબર છેતરપિંડીની પદ્ધતિઓ
નાણાકીય છેતરપિંડી, સેક્સટોર્શન, રોકાણ છેતરપિંડી, ડિજિટલ ધરપકડ, ગેમિંગ એપ્લિકેશન છેતરપિંડી, ઓટીપી છેતરપિંડી, લોન એપ્લિકેશન છેતરપિંડી.
હાઈટેક ક્રાઈમ રોકવા માટે હાઈટેક પહેલ :
1). સીએફએમસી : એઆઇ ગુનાની પેટર્નને ઓળખી રહ્યું છે
સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટરની સ્થાપના બેંકો, નાણાકીય સંસ્થાઓ, ટેલિકોમ કંપનીઓ, ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ, પોલીસ અને રાજ્યની સંબંધિત એજન્સીઓને એક મંચ પર લાવીને કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ નિવારણ માટે તેને એક મુખ્ય પ્લેટફોર્મ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ સેન્ટર સાયબર ગુનેગારોની મોડસ ઓફ ઓપરેન્ડીને ઓળખવા અને તેમને રોકવા માટે એઆઇ દ્વારા અલગ-અલગ ડેટાનો ઉપયોગ કરશે.
2). શંકાસ્પદ રજિસ્ટ્રી : 14 લાખ શંકાસ્પદ લોકોનું લીસ્ટ
દેશનાં દરેક રાજ્યમાં શંકાસ્પદ ગુનેગારોના અલગ-અલગ ડેટાને કારણે કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી હતી. કારણ કે, પોલીસની પોતાની મર્યાદા હોય છે પરંતુ સાયબર ગુનેગારોની કોઈ સીમા હોતી નથી. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય સ્તરે ’સસ્પેક્ટ રજિસ્ટ્રી’ બનાવવા અને તેની સાથે રાજ્યોને જોડવાની અને સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવાની લાંબા સમયથી માંગણી હવે પૂર્ણ થઈ છે.
હાલમાં સાયબર સસ્પેક્ટ રજિસ્ટ્રીમાં 14 લાખ શંકાસ્પદ લોકોના મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, યુપીઆઇનો ડેટા ઉમેરવામાં આવ્યો છે. આ ડેટા સાયબર ફ્રોડની ફરિયાદનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
3). કોઓર્ડિનેશન પ્લેટફોર્મ : પોલીસ માટે વન સ્ટોપ પોર્ટલ
આ પ્લેટફોર્મ સાયબર ગુનેગારો વિરુદ્ધ અભિયાન ચલાવશે. આ કેન્દ્ર દેશભરની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગુનાહિત મેપિંગ, ડેટા વિશ્લેષણ અને સંકલન માટે વન સ્ટોપ પોર્ટલ તરીકે કામ કરશે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધવાની સાથે ગુનાખોરી વધી
ઈન્ટરનેટની સુવિધા અને ઓનલાઈન પેમેન્ટ વધવાની સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યાં છે. દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 31 માર્ચ 2014 ના રોજ 25 કરોડ હતી, જે 31 માર્ચ 2024ના રોજ 95 કરોડ થઈ છે. 35 કરોડ જન ધન ખાતા અને 36 કરોડ ડેબિટ કાર્ડ સાથે 2024 માં ડિજિટલ માધ્યમથી 20 લાખ 64 હજાર કરોડ રૂપિયાના વ્યવહારો થયાં છે. વિશ્વનાં 46 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. આવી સ્થિતિમાં સાયબર ફ્રોડથી રક્ષણની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે.
ભારતમાં મોટી કંપનીઓ પર સાયબર હુમલાઓ વધતાં કંપનીઓએ સાયબર સુરક્ષા વધારી
આ વર્ષની શરૂઆતમાં, એક અગ્રણી ફાઇનાન્સ કંપનીનાં પાસવર્ડ હેક થયો હતો અને સાયબર સુરક્ષા ભંગના કારણે સંવેદનશીલ નાણાકીય માહિતી લીક થઈ હતી. જો કે, આ મામલાને આંતરિક રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો.
તાજેતરની બીજી ઘટનામાં, એક મોટી એન્જિનિયરિંગ કંપની સાયબર ફિશિંગ હુમલાનો શિકાર બની હતી. પાછલાં વર્ષમાં સાયબર હુમલાઓમાં અનેકગણો વધારો થયો છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે વધુ સાયબર હુમલા થવાની શક્યતા છે. તેથી દરેક કંપનીઓને જોખમ પરિબળો અને સાયબર સુરક્ષાની નિયમિત સમીક્ષા કરવી જરૂરી બને છે.
સાયબર નિષ્ણાત ગાર્કેલે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી જૂથ, ટાટા જૂથ, વેદાંત, મારુતિ સુઝુકી ઇન્ડિયા અને આરપીજી જેવી મોટી કંપનીઓ હેકર્સ માટે રોકડ ગાય જેવી છે. તેઓને માત્ર ડેટા કે રૂપિયા જવાનો જ ભય નથી પરંતુ તેઓની બ્રાન્ડની પ્રતિષ્ઠા પણ દાવ પર હોય છે. એસેટ બેઝ જેટલો મોટો છે, તેટલી જ જોખમની ધારણા વધારે છે.
ચેક પોઈન્ટ સોફ્ટવેર ટેક્નોલોજીસ મેનેજિંગ ડિરેક્ટર સુંદર બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં, ભારતીય કંપનીઓ પર દર અઠવાડિયે સરેરાશ 3244 સાયબર હુમલા થયાં છે, જે વૈશ્વિક સરેરાશ 1657 કરતાં લગભગ બમણાં છે.
આઈસીઆરએના ચેરમેન અરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, “હું જે બોર્ડ પર છું તે મોટાભાગનાં બોર્ડે સાયબર ક્રાઈમ્સ અને બ્રેકઈન્સ સાથે સંકળાયેલાં જોખમો વિશે પોતાને શિક્ષિત કર્યા છે અને તેઓ વધુ સારી રીતે માહિતગાર છે. ઓડિટ સમિતિઓ જોખમ વિસ્તાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.”
દુગ્ગલે જણાવ્યું હતું કે, થોડાં મહિનાઓ પહેલાં, જ્યારે માઈક્રોસોફ્ટ આઈટી આઉટેજના કારણે વૈશ્વિક સ્તરે સિસ્ટમોને અસર થઈ હતી, ત્યારે બોર્ડે ફરીથી તેમનાં મેનેજમેન્ટને તેમની સિસ્ટમ અને ડેટા કેટલો સુરક્ષિત છે તેની સમીક્ષા કરવા વિનંતી કરી હતી.
દુગ્ગલે જણાવ્યું કે “જ્યારે પણ બોર્ડ કોઈ મોટા ડેટા અથવા સાયબર સુરક્ષા ભંગ વિશે સાંભળે છે, ત્યારે તેઓ તેમની પોતાની કંપનીની સાયબર સજ્જતાનું મૂલ્યાંકન કરવા માંગે છે.
મૂલ્યાંકન કરવા માંગે છે કે તેઓ આવી પરિસ્થિતિઓને રોકવા અને તેનું સંચાલન કરવા માટે કેટલા સજ્જ છે,”. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “સાયબર હુમલામાં તાજેતરનો વધારો ભારતીય વ્યવસાયોની વધતી જતી નબળાઈને પ્રકાશિત કરે છે.
પંકજ અરોરા, મેનેજિંગ ડિરેક્ટર, પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, “સાયબર સિક્યુરિટી આજે દરેક બોર્ડનાં સભ્યોમાં ટોચ પર છે, જેમાં ડેટા, રોજિંદા જીવનમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગી અને હેકર્સ વધુ સ્માર્ટ બનવાની સાથે પોતાની સિસ્ટમને કેવી રીતે બચાવવી એ કેન્દ્ર પર હોય છે.”