આસો માસના નવલા નોરતામાં ઠંડકના બદલે છેલ્લા બે દિવસ આકરો તાપ પડતા બપોરના સમયે જનજીવન પર અસર જોવા મળી રહી છે. દર વર્ષે મોટા ભાગે નવરાત્રીમાં ઠંડીનો પ્રભાવ રહેતો હોય છે. આ વર્ષે આકરા તાપ સાથે ગરમીનું પ્રમાણ વધી રહેતા રાત્રે નવરાત્રીનાં ગરબામાં ખેલૈયાઓ પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
રાજકોટ શહેરમાં આજે બપોરે મહતમ તાપમાન 37.6 ડીગ્રી તાપમાન સાથે આકરા તાપથી જનજીવન ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠયુ હતું બપોરે ઘર ઓફીસોમાં એસી એર કુલર ઓન થયા હતા. બપોરે લોકો મોટાભાગે છાંયડામાં ઉભા રહેવાનું પસંદ કરે છે. રાત્રીનાં પાર્ટીપ્લોટ અને ગરબીમાં રમતા ખેલૈયાઓ પણ રાસ રમી પરસેવો રેબઝેબ થઈ રહ્યા છે.
આસો માસમાં મોટાભાગે ઠંડકનું પ્રમાણ રહેતુ હોય છે પરંતુ આ વર્ષે આસો માસમાં પણ ભાદરવા માસ જેવો આકરો તાપ વરસી રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધતા રાત્રે પણ આઈસ્ક્રીમ ઠંડા પીણાની ડીમાન્ડ વધી છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ઉષ્ણતામાનમાં વધારો ઉદભવ્યો છે.