- કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ક્લીનર એનર્જી સોલ્યુશન્સ તરફ પ્રયાણ
અમદાવાદ સ્થિત અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) હાઈડ્રોજન બ્લેન્ડીંગ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ ગેમ ચેન્જિંગ પ્રોજેક્ટ દ્વારા નેચરલ ગેસમાં ગ્રીન હાઇડ્રોજન મિશ્રિત ગેસનો સપ્લાય શરૂ કર્યો છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરોનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે કંપનીએ આ નવતર અભિગમ અપનાવ્યો છે. આ નવા પ્રોજેક્ટને લૉન્ચ કરતા ભારતની સૌથી મોટી CGD કંપનીએ ફરી એક વાર તેની અગ્રણી ભાવના દર્શાવી છે.
ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું ઈંધણ બનાવવા માટેના અનેક પગલાઓ વિચારણા હેઠળ છે. ATGL દ્વારા 2.2-2.3 ટકા ગ્રીન હાઇડ્રોજનને મિશ્રિત કરીને અમદાવાદના શાંતિગ્રામ વિસ્તારમાં ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ નવીન પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4,000 ઘરેલુ અને વ્યાપારી ગ્રાહકોને અવિરત હાઇડ્રોજન-મિશ્રિત કુદરતી ગેસ સપ્લાય મેળવશે. અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ આ ગેસનો પુરવઠો વિસ્તારવાની યોજના છે.
ATGL એ PNG માં હાઇડ્રોજનના મિશ્રણને ધીમે ધીમે 8% સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. હાઈડ્રોજન બ્લેન્ડીંગ પ્રોજેક્ટ કમિશનિંગ પાછળનો ઉદ્દેશ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ક્લીનર એનર્જી સોલ્યુશન્સ તરફ આગળ વધવાનો છે. પર્યાવરણ સંરક્ષણાર્થે અદાણી ટોટલ ગેસના ઉદ્દેશોની પૂર્તિ માટેનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. પરીક્ષણો દર્શાવે છે કે પાઇપલાઇન અથવા સાધનોને નુકસાન પહોંચાડ્યા વિના કુદરતી ગેસમાં 10% સુધી હાઇડ્રોજન ભેળવી શકાય છે.
નેચરલ ગેસ પાઈપલાઈન અને સીજીડી નેટવર્કમાં હાઈડ્રોજનનું ટ્રાન્સમિશન એ સરકાર માટે પ્રાથમિકતા છે. અદાણી ટોટલ ગેસ કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનનું મિશ્રણ કરીને કંપની ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે. તેનાથી આયાત પર નિર્ભરતા ઘટાડવા ઉપરાંત કુદરતી ગેસમાંથી થતા ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં અદાણી ટોટલ ગેસે વૈશ્વિક ધિરાણકર્તાઓ પાસેથી $375 મિલિયનનું ભંડોળ મેળવી દેશની 14% વસ્તીના સુધી પહોંચવાની યોજના બનાવી છે. ATGL એ વૈશ્વિક ધિરાણકર્તાઓ સાથે ‘ઓવરઓલ ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક’ અંગે કરાર કર્યો છે.