- DILR લેન્ડમાર્કના ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટરની અપ્રમાણસર મિલકત
- કાયદેસરની આવકના પ્રમાણમાં રૂપિયા 73,33,658ની વધુ સંપત્તિ
સુરત DILR લેન્ડમાર્ક કચેરીના તત્કાલીન ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સુરત એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધાતા એસીબી દ્વારા ભ્રષ્ટાચારી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસીબીને આરોપી વિરુદ્ધ આ પ્રમાણસર મિલકત અંગેની અરજી મળી હતી. જે અરજી ની તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી હતી. એસીબી ની તપાસમાં આરોપી અને તેના આશ્રિતોના નામે 128.75 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી હતી. એટલે કાયદેસરની આવકના પ્રમાણમાં રૂપિયા 73,33, 658 ની વધુ સંપત્તિ વસાવ્યા હોવાનું બહાર આવતા એસીબીએ ધરપકડ કરી હતી.
સુરત એસીબી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત વસાવતા ભ્રષ્ટ અધિકારીઓ એક દાખલો બેસાડી કડક કાર્યવાહી સુરત એસીબી દ્વારા કરવામાં આવી છે. એસીબી ના નાયબ અધિકારી આર આર ચૌધરી ના જણાવ્યા પ્રમાણે, સુરતની DILR કચેરીના લેન્ડ રેકોર્ડ ના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ વિરુદ્ધ એસીબીને એક લેખિતમાં અરજી મળી હતી.જે અરજીની તપાસ નવસારી એસીબી ના પી.આઈ.દ્વારા કરવામાં આવી રહી હતી. તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેક્ટર અને તેના પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેંક એકાઉન્ટ સહિતની ડિટેલ્સ મેળવવામાં આવી હતી. જેનું ઝીનવટ ભરી રીતે એસીબીના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
એસીબીના વિશ્લેષણ દરમિયાન તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ ચૌહાણ અને તેના પરિવારની બે કરોડથી વધુની સંપત્તિ મળી આવી હતી. જેમાં 128.75% ની અપ્રમાણસર મિલકત મળી આવતા નવસારી એસીબીના પીઆઈ દ્વારા સુરત એસીબીમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસીબી ની તપાસમાં અધિકારીના કાયદેસરની આવકના પ્રમાણમાં 73 લાખ 33 હજાર 658 ની વધુ સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી DILR કચેરીના લેન્ડ રેકોર્ડ ના તત્કાલીન ડીસ્ટ્રીક ઇન્સ્પેક્ટર આલમસિંહ જિતશિંહ ચૌહાણ ની એસીબી દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહીનો કોરડો વિંઝ્યો છે. ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક બાદ એક કાર્યવાહીના પગલે અન્ય ભ્રષ્ટ અધિકારીઓ માં પણ ભારે ફફડાટ આપી ગયો છે. ત્યારે આગામી સમયમાં ભ્રષ્ટાચાર કરી આ પ્રમાણસર મિલકત વસાવતા આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ માટે આ કાર્યવાહી એક દાખલા રૂપ બનીને સામે આવી છે. જે કાર્યવાહીમાંથી અન્ય ભ્રષ્ટ અધિકારીઓએ પણ બોધ પાઠ લેવાની જરૂર છે.