- ભારતના વિવિધ ખૂણાના કસબીઓની હસ્તકલાની રંગદર્શી પ્રસ્તુતિ
અમદાવાદ, ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪: આ મેળામાં વાંસમાંથી બનાવેલી વસ્તુઓનો સ્ટોલ રાખનારા ઉમરપાડાના આદિવાસી કોટવાડિયા સમુદાયના કારીગર જસોદાબેન કોટવાડિયાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારું કામ કલા કારીગરીનું એક સ્વરૂપ છે તેની અમને ખબર ન હતી. અમે અગાઉ રૂ.20ના જથ્થાબંધ ભાવે વચેટિયાઓને વેચતા વાંસમાંથી બનેલા બાસ્કેટ અને વોલ હેંગિંગ્સની અમને મેળામાં સારી કિંમત મળી. અદાણી ફાઉન્ડેશને ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચેના અંતરને દૂર કરીને અમારા જેવી મહિલાઓને ખૂબ મદદ કરી છે. તેઓએ અમને માર્ગદર્શન અને એક બજાર આપ્યું કે જ્યાં અમે આવા પ્રદર્શનોમાં ઊભા રહી શકીએ અને યોગ્ય જીવનનિર્વાહ મેળવવા માટે અમારા ઉત્પાદનો વેચી શકીએ.”
અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતની વિવિધ કલા અને સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યના વારસાને ઉજાગર કરતા બે દિવસના ’સથવારો મેળા’ શિર્ષક અંતર્ગત બીજી આવૃત્તિનું ગત તા.14-15 સપ્ટેમ્બરના રોજ અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબમાં આયોજન થયું હતું. દેશભરના સ્વ-સહાય જૂથો અને કારીગરો દ્વારા હસ્તકલાથી કંડારવામાં આવેલી કલાત્મક ચીજવસ્તુઓની આકર્ષક રંગદર્શી શ્રેણી આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
હસ્તકલાના કારીગરોના સશક્તિકરણ અને ભારતના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને જાળવણીના હેતુથી યોજાયેલા આ મેળા મારફત કારીગરો અને ગ્રાહકોને સીધા જોડવાનો પ્રયાસ સફળ થયો હતો. ફાઉન્ડેશનનો ઉદ્દેશ કારીગરોને એક મંચ પુરો પાડી ટકાઉ આજીવિકા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે.
ઉંચી ગુણવત્તાથી સભર ચંદેરી અને પટોળા સાડીઓથી લઇ કાપડના ટુકડાઓની અટપટી સૂનફ એમ્બ્રોઇડરી, પટ્ટચિત્ર અને પથ્થરની ધૂળના ચિત્રો, હાથે ગુંથેલી સસ્તી મેક્રેમ થેલીઓ તેમજ ગૃહ સુશોભનની ચીજ-વસ્તુઓ, અનન્ય નેઇલ ક્રાફ્ટ, પિત્તળના વાસણો, ટેરાકોટા આર્ટવર્ક, ઓક્સિડાઇઝ્ડ અને મણકાના દાગીના જેવી કલા સામગ્રીનું એક જ સ્થળે પ્રદર્શન સહ વેચાણની સવલતને મુલાકાતીઓનો પ્રોત્સાહક જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હતો. ભારતની બહુવિધ પરંપરાગત અને સમકાલીન હસ્તકલા ઉપર સરસ હથોટી ધરાવનાર પ્રત્યેક કલાકાર કસબીઓ સાંસ્કૃતિક સમૃદ્ધિની એક અલગ કથા વર્ણવે છે.
ભારતના ફકત એક પરિવાર દ્વારા પેઢીગત સંવર્ધિત થઇ રહેલી સુજની હાથવણાટ લિનનની વિશિષ્ટ કારીગરી, સાડેલી હસ્તકલા અને લુપ્ત થવાના આરે પહોંચેલી ગુજરાતના કચ્છની પરંપરાગત રોગન કલા સથવારો મેળામાં થયેલી પ્રસ્તુતિ કલા પારખુંઓ માટે વિશિષ્ટ રીતે ધ્યાનાકર્ષક બની રહી હતી. સથવારો સાથે ભારતના વિવિધ ખૂણામાંથી સ્વતંત્ર કારીગરો અને સ્વ-સહાય જૂથો જોડાયેલા 140 થી વધુ કારીગરો અને 80 થી વધુ કલાકારો સરસ સાયુજ્ય સાધી સાગમટે આ બે-દિવસીય પ્રદર્શનમાં આવ્યા હતા. બે દિવસના સથવારો મારફત સિધ્ધહસ્ત કારીગરોએ રુ.30,00,000 લાખથી માતબર રકમનો મૂલ્યવાન વેપાર કર્યો હતો અને લુપ્ત થઇ રહેલી વિવિધ હસ્તકલા વિષે અદાણી ગ્રુપના કર્મચારીઓ અને તેમના પરિવારો સહિતના મુલાકાતીઓમાં જન ચેતના જગાવી હતી. ભારતના 10 રાજ્યોના 80 થી વધુ કારીગરોએ મેળામાં રાખેલા 43 સ્ટોલની 3,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
નાણા અને સહાયના અભાવને કારણે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે સંઘર્ષ કરતા કારીગરોને વચેટિયાઓને ખૂબ સસ્તા ભાવે વેચવાની ફરજ પડે છે તે સ્થિતિના ઉકેલ માટે અદાણી ફાઉન્ડેશન આજીવિકાનું યોગ્ય અને ટકાઉ મોડલ શોધવામાં મદદ કરવા માટે દૂરના ગામડાઓમાં આવા કારીગરો સુધી પહોંચે છે. હસ્તકલાના કારીગરોની પ્રતિભાને સન્માનિત કરવાના ધ્યેય સાથે ફાઉન્ડેશન સક્રિયપણે ગામડાઓ પણ દત્તક લઈને મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું મહત્વ સમજાવી વિવિધ કૌશલ્ય સમૂહોને તાલીમબધ્ધ કરીને સ્વ-સહાય જૂથોનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરે છે.
અદાણી ફાઉન્ડેશન સાથે સૌ પ્રથમવાર જોડાયેલા ઓડિશાના જગન્નાથ પુરીના પટ્ટચિત્રના રંગકર્મી ઓમ પ્રકાશ મહારાણા સારી કિંમતે પોતાનું ઉત્પાદન વેચીને સંતુષ્ટ હતા. તેમણે હરખભેર કહ્યું કે “મેં અહીં રુ.60,000ની કિંમતનું મારું સૌથી મોંઘુ ચિત્ર વેચ્યું છે. અમને ખૂબ આનંદ છે કે તેણે અમોને અમારા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અમારા જેવા કલાકારો સુધી ફાઉન્ડેશન પહોંચી રહ્યું છે.”
નાની ફ્રેમો સાથે બે મોટી વોલ હેંગિંગ્સ સાથે આ પ્રદર્શનમાં સામેલ થયેલા ફરિદાબાદના સ્ટોન ડસ્ટ કલાકાર સૂરજ ઓમરેએ જણાવ્યું હતું કે રુ.55,000 માં મારું સૌથી મોટું અને વિશિષ્ટ વોલ હેંગિગ વેચવામાં હું સફળ થયો છું.”
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે “સથવારો એ અદાણી ફાઉન્ડેશનની સૌથી યુવા પહેલ છે અને સથવારો મેળાની બીજી આવૃત્તિનું આયોજન કરવાનો અમોને અતિ આનંદ છે, જેમાં 80 થી વધુ કારીગરોએ ભાગ લીધો હતો. “આ પહેલ પાછળનો ઉદ્દેશ્ય ભારતની લુપ્ત થઇ રહેલી પારંપારિક કારીગરી અને હસ્તકલાને પ્રોત્સાહિત અને પુનર્જીવિત કરવાનો છે. મને આનંદ છે કે આપણો કારીગર સમુદાય વધુ સર્જનાત્મક અને બજાર લક્ષી બની રહ્યો છે. તેઓ તેમના કાર્યને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે અમારો સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દરેક કલાને પોતાની આગવી ઓળખ હોય છે અને પ્રત્યેક કલાકાર તેને સક્રિય અને જીવંત રાખવા માટે ઘણી પીડા અને વિચાર મંથનમાંથી પસાર થાય છે. જેની પાછળ કઠોર પરિશ્રમ અને બલિદાનનો લાંબો ઇતિહાસ છે એવા કલા અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવામાં અમે સથવારોના માધ્યમથી યોગદાન આપી રહ્યા છીએ,
અદાણી ફાઉન્ડેશન દ્વારા એક પહેલ એવો પ્રકલ્પ સથવારો આર્થિક વૃદ્ધિ, આજીવિકા અને સાંસ્કૃતિક જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે કદમ મિલાવીને કારીગરોનું ઉત્થાન કરવા સાથે ભારતની કારીગરી અને હસ્તકલાના સમૃદ્ધ વારસાને જાળવવા માટે સમર્પિત છે.
સથવારો સમકાલીન ડિઝાઈન, નૂતન પ્રક્રિયા અને બજારના જોડાણ દ્વારા કારીગરોને સશક્ત બનાવવા માટે સંકલ્પબધ્ધ છે. સથવારો મેળાએ કારીગરોને ઉભરતી બજારની માંગ અને ગ્રાહકોની ગુણવત્તાની અપેક્ષાઓ સમજવાની તક ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી નાણાકીય લાભની સાથે તેઓને ડિઝાઇનની ચોકસાઇ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને હસ્તકલામાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે તેમને પ્રેરિત કરશે.
માહિતી માટે સંપર્ક રોય પૌલ: [email protected]