- જમીન મિલકત પચાવી પાડનારા અસામાજિક તત્વો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદો અસરકારક સાબિત થયો છે
- લેન્ડ ગ્રેબિંગ એક્ટના ડરથી જમીન મિલકત હડપનારાઓએ અંદાજે રૂ.૧૨૦ કરોડની મિલકતો મૂળ માલિકોને પરત આપી દીધી, જ્યારે ૨૬ FIRમાં મિલકતોની કિંમત રૂ.૩૦ કરોડ થાય છે
- ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પીડિત નાગરિકો આગળ આવે
- શહેરમાં લેન્ડ ગ્રેબિંગના ૧૭ ગુના દાખલ કરી કુલ ૨૯ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવીઃ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
સુરત: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦માં લેન્ડગ્રેબીંગ એક્ટ પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. તદ્દઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એસ.સી.એ. નં.૨૯૯૫/૨૦૨૧ તા.૯/૫/૨૦૨૪ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારતા વધી છે, તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, લેન્ડગ્રેબીંગ એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં ૨૪૪ અરજીઓ મળી હતી. જે પૈકી શહેરમાં ૧૭ અને ગ્રામ્યમાં ૯ અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂધ્ધ એફ.આઈ.આર. દાખલ કરાઈ છે. જ્યારે જે-તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબ્જો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં ૨૩ તથા ગ્રામ્યમાં ૨૦ કબ્જાધારકો(લેન્ડગ્રેબરો)એ જમીન/ફ્લેટ/દુકાન/મકાનોનો કબ્જો પરત સોંપી દીધો છે, જે મિલકતોની કિંમત આશરે રૂ.૧૨૦ કરોડ થાય છે, જ્યારે ૨૬ FIR કરવામાં આવી છે, જે મિલકતોની કિંમત રૂ.૩૦ કરોડ થાય છે. જ્યારે ૧૬૩ અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે. આમ, કુલ ૨૩૨ અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે ૧૨ અરજીઓ(કેસો)માં સમિતિ દ્વારા પુનઃતપાસના આદેશો અપાયા છે એમ જણાવી જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખ્ત હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.
ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે એમ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરમાં કુલ ૧૭ ગુના દાખલ કર્યા છે. આ ૧૭ ગુનાઓમાં કુલ-૨૯ આરોપીઓ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી. તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડગ્રેબરોએ ૫ જમીન, ૫ ફલેટ, ૩ દુકાન, બે પ્લોટ, બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે.
સુરત વહીવટી તંત્ર દર મહિને બે વાર લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજે છે. અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા અસામાજિક તત્વો સામે ઇ.ડી., ઈન્કમટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ વધી રહ્યું છે એમ શ્રી ગહલૌતે જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોઈસર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં ૮ એફ.આઇ.આર. દાખલ કરી છે. જિલ્લાની અંદાજિત રૂ.૭ કરોડની મિલકતો પરત સોંપવાની નિયમોનુસારની કાર્યવાહી શરૂ છે. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાનું પ્રાવધાન છે. કાયદાનો ડર જોતા અને પોલીસની સખ્ત કાયવાહીના કારણે અસામાજિક તત્વો કોઈ પણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે.