સુરતઃ નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી થઈ રહી છે. કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં હતા.
નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું.