મુખ્યમંત્રી ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.
ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યમાં સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાંદર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.
કડવા પાટીદાર પરિવારમાં થયો હતો જન્મ
ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા
તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી. સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.