સુરતઃ મહાનગરપાલિકાની આજની માસિક સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષે સામ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ડાયસ પર બેઠેલા મેયર, ડેપ્યુટી કમિશનરથી માંડી શાસક પક્ષના ૧૦૦થી વધુ કોર્પોરેટરોને એકલા હાથે આડે હાથ લીધા હતા. પાયલ સાકરીયા એ મેયર પાસે શહેરમાં બનેલા ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચર મામલે સતત જવાબ માંગવાનું ચાલુ રાખતા આખરે મેયરે પાલિકાની સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા પાયલ સાકરીયાને સસ્પેન્ડ કરી દીધા હતા.
સુરત શહેરના લોકોના હિતની ચર્ચા માટે મળતી સામાન્ય સભામાં પણ શાસકો વિપક્ષના સભ્યોને શહેર હિતના પ્રશ્નો માટે પણ બોલવા ન દેતા હોવાનું આજની સામાન્ય સભામાં પુરવાર થયું હતું. પાલિકાની માસિક સામાન્ય સભામાં વિપક્ષના નેતા પાયલ સાકરીયા એ જણાવ્યું હતું કે રાજકોટમાં બનેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમાં જે કોઈ નેતા જવાબદાર હોય તેની સામે પણ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને તેઓને પણ સજા મળવી જોઈએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રાજકોટની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શહેરમાં મન ફાવે તેમ સીલીંગની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ સીલિંગની કામગીરીમાં પણ માત્ર નાના માણસોની મિલકતને જ સીલ કરવામાં આવી હતી. જે લોકો ભાજપના નેતાઓ સાથે મોટી વગ ધરાવે છે તેઓના કોઈપણ મોટા બાંધકામો કે ટેમ્પરરી સ્ટ્રકચરો સીલ કરવામાં આવ્યા નથી.
તેઓએ મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માગ્યો હતો કે સુરત શહેરમાં પાલિકા દ્વારા માત્ર 150 ટેમ્પરરી સ્ટ્રક્ચરને મંજૂરી આપવામાં આવી છે. જેની સામે સુરતમાં હજારો ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે. જેઓની પાસે બીયુસી કે ફાયર એનઓસી પણ નથી. તેમ છતાં શા માટે તેઓની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી? સુરત મહાનગરપાલિકા દ્વારા બે-ધારી કામગીરી શા માટે કરવામાં આવે છે અને ભેદભાવની નીતિ શા માટે રાખવામાં આવે છે તેમ કહીને મ્યુનિસિપલ કમિશનરને આડે હાથ લીધા હતા. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ડાયસ પર બેઠેલા મેયર દક્ષેશ માવાણીને જણાવ્યું હતું કે સુરત શહેરમાં આડેધડ ટેમ્પરરી સ્ટ્રકચરો બની ગયા તેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જવાબદાર છે. તો શા માટે અધિકારીઓ સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી? તેઓએ જણાવ્યું હતું કે જ્યારે હાઇકોર્ટ જવાબ માંગે ત્યારે જ શા માટે કામ કરવામાં આવે છે અને જો આ જ રીતે કામ કરવાનું હોય તો કોર્પોરેશનને તાળા મારી દેવા જોઈએ.
શાસકો ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર શાસકોનો કોઈ કંટ્રોલ રહ્યો નથી અને અધિકારીઓ શાસકોને પણ ગાંઠતા નથી. જેથી ડાયસ પરથી મેયરે પાયલ સાકરીયા ને બેસી જવા માટે જણાવ્યું હતું પરંતુ પાયલ સાકરીયાએ સભામાં જ પાલિકાના અધિકારીઓ સામે શા માટે કોઈ કાર્યવાહી નહીં? શા માટે તેમની સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી? તેમ કહીને સવાલનો મારો ચાલુ રાખ્યો હતો. જેથી આખરે મેયર દક્ષેશ માવાણીએ પાયલ સાકરીયાને સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.