સુરતઃ ગુજરાતમાં દારુબંધી હોવા છતા વાર તહેવારે આ કાયદાના કરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે સુરતમાં ફરી દારુબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગર પાલીકાના સીંગણપુર તરુણકુડમાં મનપાના અધીકારીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે. અહીં મીડિયા દ્વારા રેડ કરતા 5 થી 6 અધીકારીઓ ઝડપાયા હતા.
આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા કથિત રીતે (1) પંકજ ગાંધી (સિનિયર ઇન્સ્પેક્ટર) (2) તેજસ ખલાસી (સેવિંગ ઇન્સ્પેક્ટર ) (3) પીનેશ સારંગ (ઇન્સ્પેક્ટર) (4) અજય સેલર (ઇન્સ્પેક્ટર) (5) સંજય રેતી વાલા (કોન્ટ્રાક્ટર) તેમજ સ્વિમિંગ કરવા આવેલો અન્ય એક સભ્ય સાથે વોચમેન પણ હાજર હતો. આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સ્વિમિંગપુરના સભ્ય દ્વારા આ દારૂ પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા હતા.
મળતી માહિતી મુજબ કોર્પોરેટર અને પોલીસને 100 નંબર પર સંપર્ક કરવામાં આવતા તુરંત પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતા રૂમમાં પડેલ દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ થઈ ગયા હતા. હવે આ બોટલને કોણે ગાયબ કરી તે પણ એક પ્રશ્નાર્થ છે.