અમદાવાદ: એક તરફ લોકસભાની ચૂંટણી પૂરી થવાને ગણતરીના દિવસો થયા છે, ત્યારે અમદાવાદમાં (Ahmadabad crime news) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં અવાર-નવાર હત્યાની ઘટના બની રહી છે. સોલા, વાસણા, નારણપુરા બાદ હવે વેજલપુરમાં યુવકની લાશ મળી આવી છે. જેની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ આદરી છે. Ahmadabad crime news
તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો
વેજલપુરમાં જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં પોલીસને યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં યુવકની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. સદ્દામ મોમીન નામના યુવકની ઘાતકી હત્યા કરવામા આવી હતી. હાલ વેજલપુર પોલીસ હત્યાનો ગુના દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ઝગડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી
વેજલપુર પીઆઇ એસ.આર. ઝાલા જણાવે છે કે મૃતકનું નામ સદ્દામ મોમીન હોવાનું બહાર આવ્યું છે. મૃતક અને આરોપીનો એક દિવસ અગાઉ ઝગડો થયો હતો. જેથી મંગળવારે ઝગડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી. મૃતક અને આરોપી બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મૃતકના ભાઈ જાવેદ હુસેન મોમીનની ફરિયાદના આધારે મુસ્તદીન, અલ્લારખ્ખા ઉર્ફે દેરીંગ, અરબાઝ, સોહીલ તેમજ હમસા સહિતના આરોપીની શોધખોળ હાથ ધરી છે.