હોટલાઇન ન્યૂઝ
દેશમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવોમાં એકાએક વધારો થયો છે. ઉતરપ્રદેશમાં વધુ એક આગનો બનાવ બન્યો છે જે મુજબ અત્રે એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ ભભુકી ઉઠતા બે બાળકો સહિત પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયાનું બહાર આવ્યું છે. આગના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગની ઘટના ગઈકાલે રાત્રે 8 વાગ્યે બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘરમાં ફોમ બનાવવાનું કામ થતુ હતું. બુધવારે રાત્રે શોર્ટ સર્કીટ થવાની ઘરમાં ભીષણ આગ લાગી હતી. મકાન સાંકડી ગલીમાં હોવાથી ફાયર બ્રિગેડને આગ કાબુમાં લેવા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ફાયરબ્રિગેડની ગાડીઓ સાંકડી ગલીમાં જઈ શકી નહોતી.
જાણવા મળતી વિગત મુજબ આ આગના બનાવમાં લોકોએ અગાશી પરથી ભાગવાની કોશિશ કરી હતી. પડોશીઓએ પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ અગાશી પર પહોંચવા માટે દરવાજા પર તાળુ લગાવાયું હતું, જેના કારણે બધા આગમાં ફસાતા તેમના મોત થયા હતા.
આ આગના બનાવને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે નોંધ લીધી છે અને અધિકારીઓને આ બારામાં જરૂરી દિશા-નિર્દેશો જાહેર કર્યા છે અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.