‘જોડીયા સંતાનો’ઘણી રીતે સામ્યતા ધરાવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા જ રહે છે. સુરતની ‘ટવીન્સ સીસ્ટરે’ એમબીબીએસની પરીક્ષામાં એક સરખા માર્કસ મેળવ્યાનો ગજબ કિસ્સો પ્રકાશમાં આપ્યો છે.
વડોદરાની જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં એક સાથે અભ્યાસ કરીને રિબા તથા રાહીત નામની જોડીયા બહેનોએ એકસરખા 935 માર્કસ (66.83 ટકા) હાંસલ કર્યો હતો. 24 વર્ષિય ટવીન સીસ્ટર્સ અભ્યાસમાં શૈક્ષણીક સિદ્ધિથી માંડીને જીવનની પસંદગીમાં પણ સામ્યતા ધરાવે છે.
સિંગલ મધર ગુલશાહબાનુ શિક્ષિકા છે.બન્ને પુત્રીઓનાં પાલનમાં નાણાંકીય સંકટનો સામનો કરવો પડયો હતો છતાં હિંમત હારી ન હતી. બન્ને પુત્રીઓએ પરિવારમાં પ્રથમ ડોકટર બનવાનું લક્ષ્ય નકકી કર્યુ હતું અને તે સ્વપ્ન સાકાર કરીને જ ઝંપી હતી.
રાઉતે કહ્યુ કે બન્ને બહેનો પરિવારમાં તબીબ બનનાર પ્રથમ છે. એક સાથે જ અભ્યાસ કરતા હતા અને ભણવામાં પણ સરખા હતા. ધો.10 ની પરીક્ષામાં રિબાને 99 ટકા તથા રાહીતનને 98.5 પર્સન્ટાઈલ હતા. ધો.12 માં અનુક્રમે 98.2 તથા 97.3 પર્સન્ટાઈલ હતા.નીટ-યુજીમાં પણ કોઈ કોચીંગ કલાસ રાખ્યા વિના અનુક્રમે 97 અને 97.7 પર્સન્ટાઈલ મેળવ્યા હતા.
તબીબી અભ્યાસ દરમ્યાન બન્ને હોસ્ટેલનાં એક જ રૂમમાં રહેતા હતા.કલાસમાં પણ સાથે જ બેસતા હતા.જામનગર-ભાવનગરની અલગ કોલેજમાં પ્રવેશ મળતો હતો ત્યારે 2019 માં ગોત્રીની કોલેજમાં સાથે જ પ્રવેશ મેળવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે માતા તથા મોસાળ પક્ષનાં સપોર્ટ-પ્રેરણાથી સ્વપ્ન સાકાર થઈ શકયુ હતું. ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો હતો.
ત્યારે માતા પડખે રહ્યા હતા. સરકારી સ્કોલરશીપ સહીતની સહાય મળતી હોવાથી અભ્યાસ ખર્ચની ચિંતા ન હતી.પોસ્ટ ગ્રેજયુએટમાં પણ એક,જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અત્યાર સુધીની સફર ચમત્કારીક છે અને હવે અન્યોને સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ બનવાનો ઈરાદો છે.