અત્રે ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી હતી. ફટાકડા ફૂટતા આગે ભીષણ સ્વરૂપ પકડી લેતા ફેકટરીમાં કામ કરતા મજુરો ભીષણ આગની ઝપટમાં આવી જતાં 18 મજુર જીવતા ભડથુ થઈ ગયા છે. જયારે બેનો બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. એસડીઆરએફની ટીમે રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. આ વિસ્ફોટ એટલો તો પ્રચંડ હતો કે મજુરોનાં અંગો, માંસના લોચાઓ દુર દુર સુધી ફેંકાયા હતા.એટલુ જ નહિં બાજુનાં ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. પાંચ જેટલા ઘાયલ મજુરોને સારવાર માટે ડીસાની સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફટાકડાની ફેકટરી ગેરકાયદે નાખવામાં આવી હતી કોઈ મંજુરી નહોતી લેવાઈ. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ-આગથી ગોડાઉન ધરાશાયી થતાં તેનો કાટમાળ 200 મીટર સુધી ફેલાયો હતો.
મંજુરી ફટાકડા વેચવાની હતી, ફેકટરી ગેરકાયદે
દીપક ટ્રેડર્સ નામની ફેકટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા આ ફેકટરી ખૂબચંદ નામના સિંધી વ્યકિતની છે. અહીં ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જોકે માલીકે માત્ર ફટાકડાનાં વેચાણની જ પરમિશન લીધી છે.ફટાકડા બનાવવાની નહિં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે.
મજુરોના અંગો દુર સુધી ફેંકાયા
ફટાકડાના વિસ્ફોટો સાથે લાગેલી ભીષણ આગમાં 18 જેટલા મજુરો ભોગ બન્યા છે. મધ્યપ્રદેશનાં 18 જેટલા પરપ્રાંતિય મજુરો ભીષણ આગની ઝપટમાં આવી ગયા. વિસ્ફોટોના કારણે તેમનાં અંગે દુર દુર સુધી ફેંકાયા હતા.
ઘટનાસ્થળે અફડાતફડી
વિસ્ફોટ સાથે આગ લાગતા ઘટનાસ્થળે ભારે અફડાતફડી મચી હતી. ફાયર બ્રિગેડનાં કર્મીઓએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગની ઘટનાને પગલે ડીસાનાં ધારાસભ્ય પ્રવિણ માળી, ડીસા નાયબ કલેકટર નેહા પંચાલ, ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહીત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
બ્લાસ્ટનાં કારણે ફેકટરીનો સ્લેબ ધરાશાયી
બનાસ કાંઠાના કલેકટર મિહીર પટેલે જણાવ્યું હતું કે બ્લાસ્ટના કારણે ધરાશાયી થયો હતો. ફેકટરીમાં કામ કરતા મજુરોનાં પરિવારો પણ અહી રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આગના આ બનાવમાં ત્રણ લોકો 40 ટકાથી વધુ દાઝયા છે. મોતનો આંકડો હાલ 18 છે. પાંચ લોકોને રેસ્કયુ કરી હોસ્પીટલે ખસેડાયા છે.
બોયલર ફાટવાથી બ્લાસ્ટ થયો
પ્રાથમિક માહિતી મુજબ બોઈલર ફાટવાથી વિસ્ફોટ થયો હતો જેમાં બિલ્ડીંગ ધરાશાયી થયુ હતું. નીચે એવા કેટલાંક દટાયા છે તેમને બહાર કાઢી હોસ્પીટલે ખસેડાયા છે.
પાલનપુરની મેડીકલ કોલેજમાં ખસેડાયેલા ઘાયલ યુવકોએ જણાવ્યું હતું કે અમે કામ કરતાં હતા ત્યારે અચાનક ધડાકો થયો હતો પછી શું થયુ તેની ખબર નથી અમે બેભાન થઈ ગયા હતા જયારે આંખ ખુલી તો ચારે બાજુ આગ લાગી હતી પછી અમે ભાગ્યા હતા.