મહેસાણાના ઉચરપી નજીક મહિલા ટ્રેઇની પાયલટની તબિયત અચાનક ખરાબ થતા મીની પ્લેનનો અકસ્માત થયો હતો. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ કંપની મહેસાણામાં પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી છે. મહિલા પાયલોટને નજીવી ઇજાઓ થતા સારવાર માટે ખસેડાઈ રહી છે.
મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમયિાન એક નાના વિમાને ઉડાન ભરી હતી. જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સહિતનો કાફલો તેમજ તંત્રના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત તાત્કાલીક 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે આવી મહિલા પાયલોટને હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટના કયા કારણોસર થઈ, તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.