અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુંના ભાવ બમણા થઈ ગયા છે. અમદાવાદ જમાલપુર હોલસેલ માર્કેટમાં અઠવાડિયા પહેલા જે સ્ટોરેજના લીંબું 40થી 50 રૂપિયે કિલો મળતા હતા તે આજે 70થી 90 રૂપિયા કિલો અને તાજા લીંબું જે 50થી 60 રૂપિયે કિલો મળતા હતા. તે હાલમાં હોલસેલમાં 100થી 120 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક બજારમાં હાલ લીંબુંનો કિલોનો ભાવ 140થી 170 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
જમાલપુર માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ, રમઝાન માસની શરૂઆત થતા માંગમાં વધારો થતા લીંબુંના ભાવમાં બમણો વધારો થઈ જવા પામ્યો છે. તારીખ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે તાજા લીંબુંના ભાવ હોલસેલમાં 50થી 60 રૂપિયા હતા. બીજા દિવસે તે વધીને 60થી 70 થયા અને તારીખ 1 અને 2 માર્ચથી ભાવ સીધી બમણા થઈને હાલ 100થી 120 રૂપિયે કિલો થઇ ગયા છે. પૂર્વ અમદાવાદ બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, નારોલ, નરોડા, ઠક્કરબાપાનગર, કુબેરનગર સહિતના વિસ્તારોના શાકમાર્કેટોમાં છૂટક બજારમાં લીંબું 140થી 150 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં 170 રૂપિયે કિલોના ભાવે લીંબું વેચાઈ રહ્યા છે.
અમદાવાદમાં હાલ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી રોજના 100 ટન લીંબુંની આવક થઇ રહી છે. ગુજરાતમાં રાજકોટ અને ભાવનગરમાં લીંબુંની આવક થાય છે પરંતુ તે લોકલ પુરતી જ સિમિત છે. હોળી પછી લીંબુંના ભાવ 200 રૂપિયા સુધી પહોંચી જશે તેવી ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.