ડ્રાય સ્ટેટ તરીકે જાણીતા ગુજરાત રાજ્યમાં 2024માં 144 કરોડ રૂપિયાની કિંમતની ઇન્ડિયન મેડ ફોરેન લિકર-IMFLની 82 લાખ બોટલ પકડી પાડવામાં આવી હતી, જેનો અર્થ એ છે કે દર ચાર સેકન્ડે પોલીસે શરાબની એક બોટલ જપ્ત કરી હતી.
મોટા ભાગનો શરાબ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામીણ અને વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનમાં જપ્ત થયો હતો અને કુલ 4,38,047 બોટલ પકડવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 2139 કેસમાં 3.06 લાખ બોટલ જપ્ત કરવામાં આવી. હતી.
દેશી દારૂ વેચનારાઓ સામે 7796 કેસ કરવામાં આવ્યા હતા અને 1.58 લાખ લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો હતો. વડોદરામાં 9.8 કરોડ રૂપિયાની શરાબની બોટલો પકડવામાં આવી હતી. આ બોટલો ટ્રકમાં સીક્રેટ કમ્પાર્ટમેન્ટ બનાવીને છુપાવવામાં આવી હતી.
સુરત ગ્રામીણ વિસ્તારમાં ઑપરેશન વખતે 8.9 કરોડ રૂપિયાનો શરાબ પકડાયો હતો. આ શરાબને ઘરવખરીના સામાન તરીકે ઘુસાડવામાં આવ્યો હતો. આ જ રીતે નવસારીમાં પણ 6.23 લાખ બોટલ પકડવામાં આવી હતી. ગોધરામાંથી 8.8 કરોડ રૂપિયાની કિંમતનો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. એ રીતે ભાવનગરમાંથી પણ 8.7 કરોડ રૂપિયાનો શરાબ પકડાયો હતો.
શરાબની બોટલોની દાણચોરી કરતા ગુનેગારો શાકભાજીના ટેમ્પોમાં કે પાણીનાં ટેન્કરોમાં એને છુપાવીને લાવતા હતા, પણ પોલીસે આ દાણચોરી પણ પકડી પાડી હતી.