સોનાની તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી કરતાં બેંગલુરૂના ડી.આર.આઇ.એ કન્નડ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 14.80 કિલો સોનું જપ્ત કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાન્યા વારંવાર ઇન્ટરનેશનલ ટ્રીપના લીધે ડી.આર.આઇ.ની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઇથી ફ્લાઇટથી બેંગલુરૂ પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ડી.આર.આઇ.ના અધિકારીઓએ જણાવ્યું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું પોતાના શરીર પર પહેર્યું હતું, સાથે જ તેમણે પોતાના કપડાંમાં ગોલ્ડ બાર્સ (સોનાની સ્ટીક) સંતાડી હતી. રાન્યા આઇ.પી.એસ. રામચંદ્ર રાવની પુત્રી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના હાઉસિંગ કોર્પોરેશનના ડી.જી.પી.ના રૂપમાં કાર્યરત છે. રાન્યાની ગોલ્ડ સ્મગલિંગમાં પોલીસ અથવા એન્ફોર્સમેન્ટ એજન્સીના કર્મચારીઓની સંડોવણી છે કે નહી તે દીશામાં ડી.આર.આઇ. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
ડી.આર.આઇ.ના અનુસાર એરપોર્ટ પર પહોંચતાં રાન્યા રાવ પોતાને ડી.જી.પી.ની પુત્રી ગણાવતી હતી અને પોતાને ઘરે ડ્રોપ કરવા માટે સ્થાનિક પોલીસ કર્મચારીઓને બોલાવતી હતી. ડી.આર.આઇ. તપાસ કરી રહી છે કે શું આ પોલીસ કર્મચારીઓની સ્મગલિંગ નેટવર્કમાં કોઇ સંડોવણી હતી કે અજાણતાં તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાન્યા ફિલ્મ ’માણિક્ય’માં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે પોતાના રોલ માટે જાણિતી છે. તેમણે અન્ય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.