પશ્ચિમ બંગાળથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના સાંકરાઈલ ગામની એક મહિલાએ કથિત રીતે પહેલા તો તેના પતિને ૧૦ લાખ રૂપિયામાં કિડની વેચવા માટે મજબૂર કર્યો. પતિની કિડની વેચીને જ્યારે પૈસા મળી ગયા, ત્યારે પત્ની તે પૈસા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ.
મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાએ તેની દીકરીને ભણાવવા અને તેના લગ્ન માટે પૈસા ભેગા કરવા પતિ પર પ્રેશર બનાવ્યું હતું. ઘણા મહિના સુધી ઈનકાર કર્યા બાદ આખરે તેનો પતિ તેની કિડની વેચવા માટે તૈયાર થઈ ગયો હતો. પછી એક વર્ષ બાદ તેને કિડની ખરીદનાર મળી ગયો હતો.
પતિએ એ વિચારીને તેની કિડની વેચી નાખી કે આનાથી તેની દીકરી અને તેના પરિવારને આર્થિક રીતે મદદ થશે. પરંતુ તેની પત્નીના મગજમાં કંઈક બીજો જ પ્લાન ચાલી રહ્યો હતો. કિડની વેચ્યાં બાદ આવેલા ૧૦ લાખ રૂપિયા તેણે તેની પત્નીને આપ્યા. જે બાદ તે તકનો લાભ ઉઠાવી આ ૧૦ લાખ રૂપિયા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
રિપોર્ટ મુજબ, મહિલાને બેરકપુરના રહેવાસી એક ચિત્રકાર સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. જે બાદ બંને રિલેશનશિપમાં આવી ગયા હતા. પત્નીના ભાગી ગયા બાદ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે આ મામલે કાર્યવાહી કરતા બંનેને શોધી કાઢયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.