ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આ મહાકુંભ મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે.
મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની વિશેષ ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે.
દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં ભાગ લેવાનો લહાવો લેવા માટે ગુજરાતથી અનેક લોકોએ ખાનગી બસ, કાર સહિતના ખાનગી વાહનો દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ સતત વધી રહ્યું છે.
અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે તેમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી 100થી વધુનું વેઈટિંગ છે. આ સિવાય અમદાવાદ-બરાઉની એક્સપ્રેસમાં સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી ‘રિગ્રેટ’ની જાહેરાત કરી દેવાઈ છે એટલે કે આ ટ્રેનમાં તો ટિકિટ જ મળવાની બંધ થઈ ગઈ છે.
ટ્રેનોમાં બુકિંગ નહીં મળતાં કેટલાક ખાનગી ટૂર ઓપરેટર્સે અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે બસ શરૂ કરી છે. અમદાવાદથી પાંચ જેટલી ખાનગી બસમાં 35 કલાકની મુસાફરી માટે ભાડું રૂપિયા બે હજારથી લઈને રૂપિયા પાંચ હજાર સુધીનું છે.
ફ્લાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદથી આ ફ્લાઈટ સવારે 8:10ના ઉપડીને સવારે 9:55ના પ્રયાગરાજ પહોંચાડશે. આ ફ્લાઈટ માટે રૂપિયા 6 હજારથી લઇને રૂપિયા 14 હજાર સુધીનું ભાડું જોવા મળે છે.
જાણકારોના મતે, ગુજરાતમાંથી કેટલા લોકો પ્રયાગરાજ પહોંચશે તેનો ચોક્કસ આંકડો કહેવો હજુ સુધી મુશ્કેલ છે. પરંતુ આ વખતે 3થી 5 લાખ લોકો ગુજરાતથી મહાકુંભમાં ભાગ લેશે તેમ માનવામાં આવે છે.