અમદાવાદઃ ચીનના નવા વાયરસ HMPVને લઈ સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બાળકોને શિકાર બનાવતા ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં 2 મહિનાના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર પર રાખવામાં આવ્યો છે. આ પહેલા જ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના આમ બે બાળકોને ચેપ લાગી ચૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારે પણ આ મામલે એડવાઈઝરી જાહેર કરવાની ફરજ પડી છે. જે આ મુજબ છે.
HMPV વાયરસથી બચવા શું કરવું?
- ખાંસી કે છીંક આવતી વખતે મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો
- નિયમિતપણે હાથને સાબુ અને પાણીથી ધોઈ લો અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો
- ભીડવાળી જગ્યાઓથી દૂર રહો અને ફ્લૂથી ઈન્ફેક્ટેડ લોકો સાથે ઓછામાં ઓછું એક હાથનું અંતર જાળવો
- જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો
- સતત વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક લો તેમજ મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લો
- રોગોના ફેલાવાને રોકવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહો
- જો તમને શ્વસન સંબંધી લક્ષણો જણાય તો ઘરે જ રહો. અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો.
HMPV વાયરસથી બચવા શું ન કરવું?
- જરૂરી ન હોય ત્યાં સુધી તમારી આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરવાનું ટાળો
- ચેપગ્રસ્ત વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ કે તેની અંગત વસ્તુઓ જેમ કે ટુવાલ, કપડાં અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં ન આવે અથવા તેનો ઉપયોગ ન થાય
- ઘરેલું ઈલાજ ટાળો, જો લક્ષણો વધુ ખરાબ થાય તો હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો