પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનને કારણે AMC દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના માનનીય ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને ધ્યાનમાં રાખીને, “કાંકરિયા કાર્નિવલ 2024” આજથી 31મી ડિસેમ્બર 2024 સુધી તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. કાંકરિયા લેક ફ્રન્ટ સંકુલમાં ફ્રી એન્ટ્રી ચાલુ રહેશે.
અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરી, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પરફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન થવાનું હતું, પરંતુ હવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે તે રદ કરાયો છે.