સુરતઃ અતુલ સુભાષની આત્મહત્યાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે, ત્યારે સુરતના જાણિતા લેખિકા એષા દાદાવાળાએ પણ આ ઘટનાને લઈ પોતાની સંવેદના ઠાલવી છે અને એક સ્ત્રી હોવા છતાં હાલ ચાલી રહેલા સ્ત્રી સશક્તિકરણ ઉપર કેટલાક સવાલ ઉઠાવ્યા છે, જેના ઉપર પણ એક નજર કરવી રહી.
સવાલ : 1
ડિવોર્સ પછી સ્ત્રીનાં ભરણ પોષણ અને ભવિષ્યની સલામતી પેટે જો પતિએ લાખો-કરોડોની એલીમની ચૂકવવાની હોય તો સ્ત્રીએ લગ્ન તૂટ્યા પછી પતિ માટે બે ટંક રસોઇ, એનાં કપડાં ધોવાની-સૂકવવાની-ઘડી કરવાની-એનાં ઘરને સાચવવાની પોતાની જવાબદારીઓ માટેની એલીમની ન ચૂકવવી જોઇએ?
સવાલ : 2
લગ્નનું વચન આપી, મોંઘી દાટ ગિફ્ટ્સ, મોંઘા રેસ્ટોરન્ટમાં પેટભરીને જમી લીધા પછી મા-બાપ ના પાડે છે એવું બહાનું આગળ ધરી કોઇ પૈસાદાર છોકરા સાથે પરણી જતી પ્રેમિકા સામે લગ્નની લાલચે બળાત્કારની ફરિયાદ ન કરવી જોઇએ?
સવાલ : 3
“મને તો બધું ચાલે!” એવું કહી પરણ્યા પછી જાતભાતનાં વાંધા-વચકા કાઢતી પત્ની સામે છેતરપીંડી કે માનસિક ત્રાસનો ગુનો દાખલ ના કરાવવો જોઇએ?
મને લાગે છે કે-અતુલ સુભાષની આત્મહત્યા એ આત્મહત્યા નહીં પણ સ્ત્રી-સશક્તિકરણનાં નશામાં કરાયેલું મર્ડર છે ! અતુલ સુભાષની 24 પાનાંની સ્યુસાઇડ નોટ એ એનાં જેવા હજ્જારો પુરૂષોનો બળાપો છે-અતુલ સુભાષનો 1 કલાક 20 મિનિટનો વિડીયો એ એનાં જેવા હજ્જારો પુરૂષોએ છાતીમાં ધરબી રાખેલી ચીસો છે !
એક સ્ત્રી તરીકે પ્રમાણિકતાથી કબૂલ કરું છું કે-સ્ત્રીસશક્તિકરણનાં ઓઠાં હેઠળ પુરૂષોને થતા અન્યાયની મૂક સાક્ષી હું પણ રહી છું ! પ્રેમ સંબંધમાં જાતભાતનાં આર્થિક લાભો લઇ લીધા બાદ એ સંબંધને ઠોકર મારી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયેલી સ્ત્રીઓને મેં જોઇ છે ! પોતે ભરપૂર કમાતી હોવા છતા લગ્ન તૂટ્યા પછી પતિનાં ફ્લેટને પોતાનાં નામે કરાવી લેનાર સ્ત્રીઓને હું પણ ઓળખું છું !
હમણાં એક સર્વે વાંચ્યો. લગ્ન કરવાની ધરાર ના પાડતા છોકરાઓને આવા નિર્ણય પાછળનું કારણ પૂછાયું-મોટાભાગનાં છોકરાઓને ખોટા કેસ અને મસમોટી એલીમનીની બબાલમાં પડવા કરતા સિંગલ રહેવાનું મુનાસિબ લાગી રહ્યું છે !
ડિવોર્સ પછીનાં ભરણ પોષણનાં કેસ ભયાવહ બનતા જાય છે. આપણે ત્યાં દોષ અને જવાબદારીઓ આ બંનેનો ભાર મોટાભાગનાં કિસ્સાઓમાં પુરૂષોનાં ખભે જ હોય છે ! આ બરાબર નથી. લગ્ન સંસ્થા-સામાજિક વ્યવસ્થાઓને અપગ્રેડ કરવાની હવે તાતી જરૂરિયાત છે !
મારે પુરૂષોને એક અપીલ કરવી છે ! ઉઠો, જાગો અને ન્યાય ન મળે ત્યાં સુધી મંડ્યા રહો ! તમે પણ હિંમતથી કહો-#MeToo !! કેરિયરમાં તમને સીડી બનાવી ઉપર ચડી-તમારા વિશે ફરિયાદ કરનારી સ્ત્રીઓ વિશે ખુલીને વાત કરો.
મોંઘીદાટ ગિફ્ટો લઇ, તમારા ખર્તે હરી-ફરી જાહેરમાં તમારી જ ઇજ્જતનું બૂચ મારી કોર્ટની બહાર સેટલમેન્ટ ઓફર કરનારી છોકરીઓનાં નામ હિંમતથી જાહેર કરો કે જેથી બીજો કોઇ પુરૂષ એનો ભોગ ન બને !
અતુલ સુભાષની આત્મહત્યા પછી હું સ્ત્રીની પાછળ લાગેલા સશક્તિકરણ શબ્દને હટાવી, એને પુરૂષ પાછળ લગાવું છું ! સ્ત્રીઓનું થોડું વધારે પડતું સશક્તિકરણ થઇ ગયું છે ! ટાયરમાંથી હવા કાઢીએ એમ પુરૂષ સમોવડી હોવાનાં અભિમાનની હવા કાઢવાનો સમય હવે આવી ગયો છે !!
રેસ્ટ ઇન પીસ અતુલ સુભાષ !!!
-એષા દાદાવાળા