અમદાવાદઃ ગુજરાતના વલસાડમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી સીરિયલ કિલર નીકળ્યો છે અને લગભગ દસ દિવસ બાદ પોલીસે આ કેસનો ભેદ ઉકેલી સાયકો કિલરની ધરપકડ કરી છે. જ્યારે આરોપીએ 25 દિવસમાં બળાત્કાર અને હત્યા કર્યાનો ખુલાસો કર્યો ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં બાળકી પર બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે 2 હજારથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા હતા. એવું પણ બહાર આવ્યું છે કે આરોપી પોતાની વિકલાંગતાને કારણે મોટાભાગની ટ્રેનોમાં મફત મુસાફરી કરતો હતો.
25 દિવસમાં પાંચ બળાત્કાર-હત્યા
વલસાડ પોલીસના કરણરાજ વાઘેલાના જણાવ્યા મુજબ આરોપી મૂળ હરિયાણાનો છે. તેની ઓળખ રાહુલ સિંહ જાટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાહુલ સિરિયલ કિલર છે કારણ કે તેણે વલસાડના પારડીના મોતીવાડા વિસ્તારમાં 12મા ધોરણની વિદ્યાર્થીની પર પહેલા બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, જ્યારે આરોપી પોલીસના હાથે ઝડપાયો ત્યારે પૂછપરછમાં આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હોવાનું બહાર આવ્યું હતું. તેણે આ તમામ હત્યાઓ અલગ અલગ જગ્યાએ કરી છે.