દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પણ દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીમાં લાંબી રજાઓ મળતી હોવાથી વેકેશન માટે બહાર ફરવા જવાનો લોકો પ્લાન કરે છે. આ ઉપરાંત દિવાળીનું વેકેશન બાળકોને વધુ મળતું હોવાથી ફેમીલી પ્રવાસ યોજવામાં આવે છે.
ત્યારે આ દિવાળીએ પણ બહાર ફરવા જવાના લોકોએ પ્લાન કર્યા છે. પરંતુ દર વર્ષની માફક આ વખતે ખુબ ઓછુ બુકિંગ નોંધાયું છે. જીરાવાલા હોલી-ડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડાયરેક્ટર અમીત ઠક્કર જણાવે છે કે, આ વખતે 30 ટકા બુકિંગ ઓછું થયું છે. જન્માષ્ટમીમાં પણ બુકિંગ થયા ન હતા. આથી અમને આશા હતી કે દિવાળી પર બમ્પર બુકિંગ થશે. પરંતુ હાલ દિવાળીના બુકિંગમાં પણ નિરસતા જોવા મળી રહી છે. વરસાદની આગાહીને પગલે જન્માષ્ટમીમાં બુકિંગ ખૂબ ઓછું થયું હતું તેમજ જે લોકો ગયા હતા તેઓ વરસાદના કારણે ફસાયા હતા. આથી કડવા અનુભવને પરિણામે બુકિંગ પર અસર થયેલ છે.
હજુ પણ સમયાંતરે વરસાદ પડી રહ્યા છે અને કેટલાક હવામાન નિષ્ણાંતો દ્વારા દિવાળી સુધી વરસાદની આગાહી કરાઇ છે. આથી તેની અસર બુકિંગ પર પણ જોવા મળી રહી છે. દિવાળીના પર્વને હવે 13 દિવસ જ બાકી છે. ત્યારે અત્યાર સુધીમાં તમામ બુકિંગ થઇ જતાં હોય છે પરંતુ હજુ સુધી આશા મુજબ બુકિંગ થયું નથી જેને પરિણામે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
દિવાળી પર સૌથી વધુ બુકિંગ હોય છે તેના બદલે સૌથી ઓછું બુકિંગ થયું છે.માધવન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક તુષારભાઇ નિમાવત જણાવે છે કે, દિવાળી માટેના પ્રવાસ માટે બહોળા પ્રમાણમાં ઇન્કવાયરી આવે છે પરંતુ માત્ર 50 ટકા જ બુકિંગ નોંધાયું છે. કોરોના બાદનું સૌથી ઓછું બુકિંગ છે. આ વર્ષે ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ બન્નેમાં બુકિંગ થયા છે.
ડોમેસ્ટિકમાં કેરલા, કાશ્મીર, હરિદ્વાર, અયોધ્યા, સિક્કીમ, દાર્જીલીંગ, ગોવા, શીમલા, મનાલી, રાજસ્થાન સહિતના સ્થળોના વધુ બુકિંગ થયા છે અને ઇન્ટરનેશનલ માટે દુબઇ, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશીયા, હોંગકોંગ, વિયેતનામ, બાલી જેવા વિદેશી ટુરના બુકિંગ થયા છે. ઇન્ટરનેશનલ બુકિંગ ફલાઇટથી થતું હોવાથી 15 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડે છે અને બસ અને ટ્રેન દ્વારા પ્રવાસ માટે એક મહિના અગાઉ બુકીંગ કરાવવા પડે છે. દિવાળીના તહેવારોમાં લોકોનો વતન વાપસીનો ધસારો હોવાથી ટ્રેન બુકિંગમાં લાંબુ વેઇટીંગ આવે છે. આથી મહિના પૂર્વે બુકિંગ કરાવવું પડે છે. 75 ટકા બુકિંગ ઓછું હતું. વરસાદના કારણે બુકિંગ પર મોટી અસર પડી હતી.
આ વર્ષે ટુર પેકેજમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. ટ્રાન્સ્પોટેશન ખર્ચ વધ્યો અને હોટલોએ ભાડા વધારતા ટુર પેકેજમાં વધારો થયો છે. લોકો હવે આધ્યાત્મિક પ્રવાસ તરફ ખુબ વળ્યા છે. આથી આ વખતે ધાર્મિક પ્રવાસ સ્થળોના બુકિંગ પણ વધ્યા છે. જેમાં અયોધ્યા લોકોની પ્રથમ પસંદગી બની છે. આ ઉપરાંત વારાણસી, હરિદ્વાર, વૈષ્ણોદેવીના બુકિંગ પણ નોંધાયા છે. દિવાળીના તહેવારને 13 દિવસ જ બાકી છે. ટ્રાવેલ્સના ધંધાર્થીઓને આશા છે કે આ 13 દિવસમાં બુકિંગ વધે.