જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન તેમની નવી ઈલેકટ્રીક કાર પર લીંબુ અને મરચાં લટકાવતા જોવા મળ્યાં હતાં. તેને નાળિયેર પણ વધાર્યું હતું અને પછી કારની મુસાફરી કરી હતી.
ભારતીય પરંપરાઓમાં, લીંબુ અને મરચાંનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચાને લટકાવવાથી ન માત્ર ખરાબ નજર દૂર રહે છે પરંતુ અકસ્માતનું જોખમ પણ ઓછું થાય છે.
જો કે, બીજી બાજુ, કેટલાક લોકો આને અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત પરંપરાઓ માને છે. ભલે આજે તેનો સ્વીકાર કરવો કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એ પણ સાચું છે કે આજનાં જમાનામાં પણ તેનો ઉપયોગ વ્યાપકપણે જોવા મળે છે. નવી કાર ખરીદતી વખતે પણ લોકો તેને અપનાવવા લાગ્યાં છે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન પણ આવું જ કરતાં જોવા મળ્યાં હતાં.
તેને એક નવી ઈવી આપવામાં આવી છે. ચમકતી નવી કારમાં બેસતાં પહેલાં એકરમેને તેમાં લીંબુ-મરચાં લટકાવ્યાં હતાં અને પછી નાળિયેર પણ વધાર્યું હતું. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. તેનાં આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ સામે આવી છે. એક યુઝરે લખ્યું કે સ્વસ્તિક પણ બનાવવું જોઈતું હતું. એકે લખ્યું- દેશી સંસ્કૃતિ, વિદેશી મહેમાનો. જ્યારે એકે લખ્યું- લીંબુ-મરચા આંતરરાષ્ટ્રીય બની ગયાં છે.
ભારતમાં જર્મનીનાં રાજદૂત ફિલિપ એકરમેને આ પ્રસંગે કહ્યું હતું કે જર્મની અને ભારત પરસ્પર ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. શિયાળાનાં સમયમાં પર્યાવરણીય પ્રદૂષણ ખૂબ જ વધી જાય છે. તેથી જ મને લાગ્યું કે આપણે પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપવું જોઈએ.
હું ઇલેક્ટ્રિક કાર લેવા માંગતો હતો. મેં મારાં હેડક્વાર્ટરમાં આ વિશે વાત કરી હતી. થોડાં દિવસો પછી મારી માંગણી સ્વીકારવામાં આવી હતી. આ એક ઈલેક્ટ્રિક કાર છે, જે પ્રદૂષણ ઘટાડે છે.
એકરમેનને 2022 માં નવી દિલ્હીમાં જર્મન એમ્બેસેડર બનાવવામાં આવ્યાં હતાં. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે એમ્બેસી સ્ટાફ સાથે 2023 માં ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત નટુ નટુ પર ડાન્સ પરફોર્મ કરતાં જોવા મળ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી.