ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા-નવા કાયદા-નિયમો લાગુ કરવામાં આવી જ રહ્યા છે. સોનાના દાગીનાની શુદ્ધતા માટે હાલ ફરજીયાત હોલમાર્કનો નિયમ છે તે મોટો મહત્વપૂર્ણ બદલાવ કરવાની તૈયારી છે. નવા વર્ષ 1લી જાન્યુઆરીથી દાગીના બનાવતા પૂર્વે જ સોનાનું હોલમાર્કીંગ ફરજીયાત બનાવવાનો નિયમ દાખલ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
દેશભરમાં તે તબકકાવાર લાગુ કરાશે. સરકાર દ્વારા સંબંધીત પક્ષકારોના સુચનો માંગવામાં આવ્યા હતા. અને તેમાં સહમતી આપવામાં આવી છે. સોનાના દાગીના બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બુલીયન બીસ્કીટ-લગડી પર હાલ હોલમાર્ક ફરજીયાત નથી.
ગ્રાહકો લાંબા ગાળાની એવી માંગ કરતા હતા કે જેમાંથી આભુષણો બને છે તે સોના પર જ હોલમાર્કનો નિયમ દાખલ થવો જોઈએ અને તે સંજોગોમાં જ શુદ્ધતા પ્રમાણીત થઈ શકે. સરકાર દ્વારા લાંબા વખતથી ચર્ચા-પરામર્શ કરવામાં આવી રહ્યા છે.
બુલીયનમાં પણ હોલમાર્ક ફરજીયાત થવાના સંજોગોમાં આયાતી માલની ગુણવતા પર શંકા નહીં રહે. ગોલ્ડ બુલીયન પર હોલમાર્ક ફરજીયાત કરવાનો નિર્ણય લેવા માટે ગઠીત સમિતિએ સરકારને રીપોર્ટ સોંપી દીધો છે અને ચાલુ વર્ષનાં અંત સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ડીસેમ્બરમાં તેના નિયમો પણ જાહેર કરી દેવામાં આવશે અને નવા વર્ષથી તેનો તબકકાવાર અમલ શરૂ કરી દેવાશે.
આ નિયમથી હોલમાર્કવાળા સોનામાંથી જ દાગીનાં બનવાના સંજોગોમાં છેતરપીંડીની શંકા દુર થઈ જશે.દાગીનાં ઘડાયા પુર્વે જ સોનુ કેટલુ શુદ્ધ હતુ તેની જાણ થઈ જશે અને ત્યારબાદ દાગીના બન્યા બાદ શુદ્ધતામાં કેટલો ફેર પડયો તેની પણ જાણકારી મળી જશે.
વર્તમાન નિયમ શું છે?
સોનાની શુદ્ધતા પ્રમાણીત કરવા માટે દેશમાં હોલમાર્કનો નિયમ લાગુ છે. હાલ 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 23 કેરેટ તથા 24 કેરેટના સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત છે. 2022 થી તબકકાવાર દેશભરમાં આ નિયમ લાગુ કરાયો હતો સોનાની શુદ્ધતા મામલે ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા આ નિયમ દાખલ કરાયો હતો.