- મધ્યરાત્રીએ ફાયરના જવાનોએ પાંચ વ્યક્તિઓને રેસ્કયુ કર્યા
સુરત: ગુરૂવાર: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી પરિસ્થિતિ સર્જાય છે. વડોદરામાં છેલ્લા ૪૮ કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદ અને પુરને કારણે વડોદરા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગતરોજ તા.૨૮મીના રાત્રે વડોદરા શહેર ખાતેના અંકોટા પુરગ્રસ્ત વિસ્તારમાં ફાયરના અધિકારીશ્રી ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની ત્રણ રેસ્ક્યુ ટીમ મદદ કરવા પહોંચી હતી.
વડોદરાના અકોટા વિસ્તારની સામ્રાજ્ય વિભાગ-૧માં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. જ્યાં નદીના પાણીમાં ભારે વ્હેણને કારણે એક ઘરમાં ૪ દિવસથી ૨ મહિલા અને એક પુરૂષ સાથે બે બાળકીઓ ફસાયેલા હોવાની જાણ સુરત ફાયર વિભાગને થઈ હતી. જેથી મધ્યરાત્રીએ ૦૩:૦૦ કલાકે સુરત ફાયર વિભાગની ટીમે તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
વડોદરાના અકોટા અતિથિ ગૃહ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડે.મ્યુ. કમિશ્નર અર્પિતાબેનના સંપર્કમાં રહી તેમના જણાવ્યા મુજબ અકોટા અતિથિ ગૃહથી ફુડ પેકેટ લઈ માંજલપુર, નિર્માણ વિહાર ફ્લેટ, વિશ્વામિત્રી ટાઉનશીપ, પ્રમુખસ્વામી કુટીર, વિશ્વામિત્રી ટાઉનશીપ વિસ્તારમાં ૪૫૦થી વધુ ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.