- ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત કારગીલ ચોકથી ‘મહિલા સુરક્ષા રેલી’ને પ્રસ્થાન કરાવતા સુરત ક્રાઈમ બ્રાંચ મહિલા સેલના એસીપી કે. મિની જોસેફ
- મહિલા સુરક્ષા સમિતિના સભ્યો અને શી ટીમના મહિલા પોલીસકર્મીઓએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા
સુરત: ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’ અંતર્ગત મહિલા સુરક્ષા દિન નિમિત્તે સુરત ક્રાઈમ બ્રાંચ મહિલા સેલના એસીપી કે. મિની જોસેફે પીપલોદના કારગિલ ચોકથી મહિલા સુરક્ષા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં શી ટીમના પોલીસકર્મીઓ તેમજ મહિલા સુરક્ષા સમિતિના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે વિવિધ સૂત્રોચ્ચાર થકી મહિલા સશક્તિકરણનો સંદેશો પાઠવ્યો હતો.
રાજ્ય સહિત સુરત જિલ્લામાં મહિલાઓને સુરક્ષિત, સશક્ત અને સુશિક્ષિત બનાવવાના હેતુથી દર વર્ષે તા.૧થી ૮ ઓગષ્ટે ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ દિવસે વિવિધ થીમ હેઠળ ઉજવણી કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત, ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર(DHEW) સ્મિતા પટેલ અને ટીમ તેમજ મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, શી ટીમ, પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટૉપ સેન્ટરના અધિકારીઓ હાજર રહ્યા હતા.