પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ સમગ્ર કાશ્મીર સહિત દેશભરમાં એલર્ટના આદેશો વચ્ચે વધુ એક મોટા ત્રાસવાદી ષડયંત્રને નાકામ કરવામાં આવ્યુ છે. મોટા ત્રાસવાદી અડ્ડાનો પર્દાફાશ કરીને પાંચ ટીફીન બોંબ તથા ડબ્બા બોંબનો નાશ કરવામાં આવ્યો છે.
પહેલગામ હુમલા બાદ પણ કાશ્મીરમાં વધુ હુમલા કરવાનુ ષડયંત્ર પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. રાજયના પૂંછ જીલ્લામાંથી સલામતીદળોએ પાંચ વિસ્ફોટક બોંબ પકડી પાડયા હતા. ત્રાસવાદી ઠેકાણાનો ખુલાસો થયો હતો. આ સ્થળેથી ટીફીન તથા સ્ટીલના ડબ્બામાં છુપાવાયેલા પાંચ બોંબ મળી આવ્યા હતા.
ભારતીય સૈન્ય તથા કાશ્મીર પોલીસ દ્વારા પૂંછના સુરનકોટ ક્ષેત્રના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ તે દરમ્યાન ત્રાસવાદી અડ્ડાનો ખુલાસો થયો હતો. ત્રણ ટીફીન બોંબ, બે ડબ્બા બોંબ ઉપરાંત સંચાર સામગ્રી તથા વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી હતી. પહેલગામ હુમલા બાદ સલામતી દળો દ્વારા રાજયભરમાં દરોડા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વિસ્તારોમાં સર્ચ કરવા સાથે બાંધકામો પર બુલડોઝર ફેરવીને શંકાસ્પદોને અટકમાં લેવામાં આવી રહ્યા છે.