રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે ટકોર કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા તો વળતર આપવામાં જ આવેલું છે.
ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ ઝોનના માલિકો તેમજ આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરવું જોઈએ. બીજી બાજુ હાઇકોર્ટ એવી પણ ટકોર કરી હતી કે અધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ગોકળગતીએ ચાલી રહી છે અને જો તેઓ જેલમાં હશે.
તો તેઓની સામેની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી પણ થવી જોઈએ. પરંતુ બને એટલી જલ્દી આ કાર્યવાહી પૂરી કરવી જોઈએ નહીં તો તેઓ વિલંબનો લાભ લઈને તૂટી જાય તેવી શક્યતાઓ છે.
આજે રાજકોટ ટીઆરપી ઝોન માં થયેલા અગ્નિકાંડના કેસની સુનાવણી નીકળતા પીડીતોના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ચાર લાખ અને પીએમ રાહત ફંડ માંથી રૂપિયા બે લાખનું વળતર આપવામાં આવેલું છે, પરંતુ તેઓને વધુ વળતર મળવું જોઈએ.
આથી ચીફ જસ્ટિસ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે આ કિસ્સામાં મુખ્ય દોષિત તો ગેમ ઝોનના માલિક અને તેઓને મુક્તિ આપીને ચલાવવા દેનાર ફાયર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તો તેઓની સામેથી આ વળતરની વસુલાત થવી જોઈએ.
આ વળતરની વસુલાત ત્યારેજ થઈ શકશે કે જ્યારે તેઓની સામે ખાતાકીય કાર્યવાહી પૂર્ણ થશે અને તેઓ આ બાબતે જવાબદાર ઠરશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં મોટાભાગના અધિકારીઓ સામે પોલીસ કેસ થયો હોવાથી તેઓ જેલમાં હોવાથી ખાતાકીય તપાસ થઈ શકી નથી.
આથી હાઇકોર્ટ ટકોર કરી હતી કે જો ખાતાકીય તપાસમાં વિલંબ થશે તો સાક્ષીઓ જે હાલમાં ઉપલબ્ધ છે તે મળશે નહીં અને તપાસને અવળી અસર પડે. પુરાવા નહીં મળે એના કરતાં હવે તો વીડિયો કોન્ફરન્સથી સુવિધા પણ ઉપલબ્ધ છે તો જે પણ નિવેદન લેવા હોય અને કાર્યવાહી કરવી હોય તો એ કરી શકાય છે અને જલ્દીમાં જલ્દી તપાસ પૂરી કરવી જોઈએ.
કોટે વધુમાં કહ્યું હતું કે જો પીડિતોને વધારાનું વળતર જોઈતું હોય તો તેઓએ ગેમ્સના માલિકો તેમજ અધિકારીઓને પક્ષકાર તરીકે જોડવા જોઈએ આમ અદાલતે આ કેસની વધુ સુનાવણી આગળનું જુલાઈ મહિનામાં રાખી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી. બંને મ્યુનિસિપલ કમિશનરોએ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ કિસ્સામાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે બંને અધિકારીઓએ માફી માગવી જોઈએ અને તેમના ખિસ્સામાંથી પીડિતોને વળતર ચૂકવવું જોઈએ.