ભારત-પાક વચ્ચે સતત વધતા જતા તનાવમાં હવે સેનાની ત્રણેય પાંખો એલર્ટ થઈ ગઈ છે અને ભારતીય હવાઈદળે ‘કવાયત-આક્રમણ’ શરૂ કરી છે અને નૌકાદળના યુદ્ધ જહાન આઈએનએસ સુરત-મારફત મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.
હવાઈદળે તેના સેન્ટ્રલ કમાન્ડના નેતૃત્વમાં રાફેલ-સુખાઈ 30 એમ.કે. અને અન્ય લડાયક વિમાનોને સામેલ કરીને હવાઈ ‘કવાયત આક્રમણ’માં ટાર્ગેટ હિટ કરવાની ડ્રીલ કરી હતી તથા ડોગ-ફાઈટની પણ કવાયત કરી હતી.
હવાઈદળે જો કે તેને રોજીંદી ગણાવી હતી પણ ખાસ કરીને પહેલગામ હુમલા બાદ તેની આક્રમકતાની ‘ધાર’ કાઢવામાં આવી રહી છે. ખાસ કરીને રાફેલની સામેલગીરી મહત્વની બની રહેશે. નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુરત પણ એકશનમાં આવી ગયુ છે અને ખાસ કરીને દરિયાકાંઠાના મહત્વના મથકોની સુરક્ષા માટેની તૈયારી કરી છે અને જમીન પરથી હવામાં પ્રહાર કરતા મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ જે દરિયામાં કોઈ પણ ટાર્ગેટને વિંધી શકે છે. નીચી સપાટીએ ઉડતા આ મિસાઈલ રડારને છેતરવામાં પણ માહિર ગણાય છે.