જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ભોગ બનનાર ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ માદરે વતન લવાયા બાદ પિતા-પુત્રની અંતિમયાત્રા આજે સવારે તેનાં નિવાસસ્થાનેથી નીકળી હતી ત્યારે હજારો લોકોની આંખોમાં અશ્રુઓ વહ્યા હતા.
પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીનીભર્યુ બની ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ મૃતકના નિવાસસ્થાને જઈ પુષ્પાંજલી આપી, પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અંતિમયાત્રામાં સગા-સ્નેહીઓ, ઉપરાંત રાજકીય આગેવાનો, નગરજનો અને વાળંદ સમાજના હજારો લોકો જોડાયા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગર શહેરનાં કાળીયાબીડ નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ઉ.46) અને તેના પુત્ર સ્મીત પરમાર (ઉ.16)ના ગોળી વાગવાથી મોત નિપજયા છે.
ગઈ મોડી રાત્રે 12/30 કલાકે મુંબઈથી અમદાવાદ મૃતદેહો ભાવનગર આવી પહોંચ્યા હતા. અને સવારે 7 વાગે સર ટી. હોસ્પીટલથી પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સવારે નિવાસસ્થાને બન્ને મૃતદેહો લાવવામાં આવ્યા ત્યારે પરિવારજનોનાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીનીભર્યુ બની ગયું હતું. હજારો લોકો નિવાસસ્થાને દોડી આવ્યા હતા. અને પુષ્પાંજલી આપી હતી.
દરમ્યાન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, દિવ્યેશભાઈ પરસોતમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડયા, શહેર પ્રમુખ તેમજ અધિકારીઓ- પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પિતા-પુત્રને પુષ્પાંજલી આપી હતી અને પરીવારજનોને સાંત્વના પાઠવી હતી. બાદ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં આગેવાનો, નેતાઓ, વાળંદ સમાજના હજારો ભાઈઓ જોડાતા લાંબી અંતિમ યાત્રા નીકળી હતી.
વાળંદ પરિવારનાં પિતા-પુત્રનાં નિધનથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આજે ભાવનગર શહેરની વાળંદની દુકાનો સવારે 8થી 12 અર્ધો દિવસ બંધ રહી હતી અને હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.
આતંકી હુમલાનો ભોગ બનનાર સ્મિતને આર્મીમેન બનવાનું સ્વપ્ન હતું
આતંકી હુમલાનો ભોગ બનનાર સ્મિત ઉ.16ને આર્મીમેન બનવાનું સપનુ હતું. સ્મિત પરમારને પહેલેથી ભારતીય સૈન્યમાં જોડાવું હતું. અને તે માટે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતો હતો પરંતુ સ્મિતની આર્મીમેન બનવાની આશા આતંકવાદીઓએ રગદોળી કાઢી છે.સમગ્ર ભાવનગરમાં આક્રોશ
ભાવનગરના પિતા-પુત્રના નિધનથી સમગ્ર ભાવનગરના આતંકવાદ સામે રોષ ફેલાયો છે. ભાવનગરના જન્મ દિવસની ઉજવણી પણ આ બનાવને કારણે મુલત્વી રાખવામાં આવી છે.