“ગુરુ”નું મહત્વ, નવી શિક્ષણનીતિનું અસરકારક અમલીકરણ સહિત અનેક મુદ્દાઓ પર મંથન
ઉચ્ચ શિક્ષણમાં અગ્રણી અદાણી યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય “શિક્ષાવિદ્યા” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. અમદાવાદ કેમ્પસમાં 22 થી 27 ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP), “શિક્ષાવિદ્યા”માં વિવિધ શૈક્ષણિક શાખાની ફેકલ્ટીઝે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે શિક્ષણના ભવિષ્યલક્ષી અભિગમને વર્ગખંડો સુધી જ સમિતિ ન રાખી એની સકારાત્મક અસર પેદા કરવાનું ભાથુ મેળવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવીએ ઉદ્ઘાટન સમારંભને સંબોધતા રાષ્ટ્ર નિર્માણ અને ટકાઉ વિકાસમાં શિક્ષકોની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ક્ષમતા નિર્માણ અને નવીનતા દ્વારા શિક્ષણને મજબૂત બનાવવા માટે અદાણી ગ્રુપના સમર્પણને તેમણે પુન:પુષ્ટિ આપી હતી. ઉભરતા પડકારોનો સામનો કરવા અને નવીન ઉકેલો શોધવા માટે તેમણે સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ આ પરિવર્તનશીલ પહેલને સમર્થન આપવા બદલ અદાણી યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. ધવલ પૂજારાએ “ગુરુ” શબ્દના ગુઢ અર્થ પર વિચાર-પ્રેરક ઉદબોધન કર્યુ હતું. સાચા ગુરુ (GURU) ની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે, ગુરુનો G એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર, U એટલે વિદ્યાર્થીઓની સમસ્યાઓને સમજનાર, R એટલે પોતાના જ્ઞાનની સતત વૃદ્ધિ કરનાર અને U એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનાર. ડૉ. પૂજારાએ આજના ઝડપથી બદલાતા શૈક્ષણિક પરિદૃશ્યમાં પરંપરાગત સામગ્રીથી આગળ વધીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ફેકલ્ટીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સમકાલીન જરૂરિયાતોને સંબોધતા “શિક્ષાવિદ્યા”માં શિક્ષણશાસ્ત્રની અસરકારકતા અને પ્રભાવ વધારતા સંલગ્ન વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણશાસ્ત્રમાં નવીનતાઓ, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, કાર્યસ્થળ પર ભાવનાત્મક સુખાકારી, નેતૃત્વ અને માર્ગદર્શન, સંદેશાવ્યવહાર, શિક્ષણમાં ICT અને GenAI જેવા નવીન સાધનોનો ઉપયોગ, નવી શિક્ષણનીતિ-૨૦૨૦ના અસરકારક અમલીકરણ જેવા વિષયોની ચર્ચા થઈ હતી.
આંતરરાષ્ટ્રીય કાર્યશાળાઓ, પ્રેકિટકલ પ્રવૃત્તિઓ અને સહભાગીઓની પ્રસ્તુતિઓએ ગતિશીલ શિક્ષણના અભિગમને વેગ આપ્યો અને પીઅર-ટુ-પીઅર જોડાણને પ્રોત્સાહન આપ્યું. “શિક્ષાવિદ્યા” સાથે અદાણી યુનિવર્સિટીએ ફેકલ્ટી સશક્તિકરણ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીન ઉચ્ચ શિક્ષણમાં વિકાસને પુનઃપુષ્ટિ આપી છે.


