સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 45 ભારતીયોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના હૈદરાબાદના રહેવાસી હતા. ઉમરાહ જઈ રહેલી બસને ઓઈલ ટેન્કર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલો અનુસાર, આ અકસ્માત મદીના નજીક થયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ભારતીય ઉમરાહ યાત્રીઓ હતા. હૈદરાબાદ પોલીસ કમિશનરે આ વાતની પુષ્ટિ કરી છે.
બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ
ગલ્ફ ન્યૂઝના અહેવાલો અનુસાર, ઉમરાહ માટે જઈ રહેલા લોકોને લઈને બસ મક્કાથી મદીના જઈ રહી હતી ત્યારે રસ્તામાં તે ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 1.30 વાગ્યે મદીનાની નજીક આવેલા મુહરાસ અથવા મુફારિયાત વિસ્તારમાં બની હતી. દુર્ઘટના સમયે ઘણા મુસાફરો સૂતા હતા. અથડામણ થતાંની સાથે જ બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને લોકોને બચવાનો સમય પણ ન મળ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આ અકસ્માતમાં 45 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
હૈદરાબાદ પોલીસ કમિશનરે 45ના મોતની પુષ્ટિ કરી
હૈદરાબાદ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટનામાં 45 લોકોના મોત થયા છે અને મોટાભાગના મૃતકો હૈદરાબાદના રહેવાસી છે. હૈદરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ‘9 નવેમ્બરે હૈદરાબાદથી 54 લોકો ઉમરાહ માટે જેદ્દાહ ગયા હતા અને આ લોકો 23 નવેમ્બરે પાછા ફરવાના હતા. આ 54માંથી ચાર લોકો કારમાં મક્કાથી મદીના જઈ રહ્યા હતા અને અન્ય ચાર લોકો મક્કામાં જ રોકાયા હતા. બસમાં બાકીના લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત સમયે બસમાં 46 લોકો સવાર હતા. આ અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિ બચી ગયો, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસ કમિશનરે કહ્યું કે અમને મળેલી માહિતી મુજબ 45 લોકો માર્યા ગયા છે અને આ લોકો 23 નવેમ્બરે હૈદરાબાદ પાછા ફરવાના હતા. AIMIMના ધારાસભ્ય માજિદ હુસૈને પણ કહ્યું કે અમને જે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે તે મુજબ અકસ્માતમાં 40 થી વધુ લોકોના મોત થયા છે. અમે પીડિત પરિવારોનો સંપર્ક કરી રહ્યા છીએ. AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને મદદની અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાઉદી અરેબિયામાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલી દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ પણ સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓના સંપર્કમાં છે.


