હત્યાના ગુનામાં ફાંસીની સજા ભોગવી રહેલા પતિ-પત્નીને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દંપતીને IVF (ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન) સારવાર કરાવવા માટે પેરોલની મંજૂરી આપી છે. કોર્ટના આ નિર્ણયને જેલમાં સજા કાપી રહેલા દંપતીને નવું જીવન આપવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસ જયેન્દ્ર ડામોર અને સેજલ બારિયાનો છે. બંનેને 2010માં સેજલના પૂર્વ બોયફ્રેન્ડ પિનાકિન પટેલની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2013માં ગોધરા જિલ્લા કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી બંને અલગ-અલગ જેલમાં સજા કાપી રહ્યા છે.
કેસ મુજબ પિનાકિન પટેલ કથિત રીતે બ્રેકઅપ બાદ પણ સેજલ બારિયાને હેરાન કરતો હતો. જેનાથી પરેશાન થઈને સેજલ અને જયેન્દ્રએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંનેએ પટેલને પાવાગઢના ગેસ્ટહાઉસમાં બોલાવીને ત્યાં તેની હત્યા કરી નાખી હતી. હવે લગભગ 15 વર્ષ બાદ બંને પોતાના જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે. બંનેએ કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ IVF પ્રક્રિયા દ્વારા બાળક પેદા કરવા ઈચ્છે છે અને આ માટે તબીબી સારવાર જરૂરી છે. સેજલ બારિયાને વંધ્યત્વની સારવાર માટે વર્ષ 2023માં પ્રથમ વખત પેરોલ મળ્યો હતો. આ પછી દાહોદના ગાયનેકોલોજિસ્ટ સાથે પરામર્શ શરૂ કરવામાં આવ્યો હતો.
પેરોલ બાદ આત્મસમર્પણ કરવું પડશે મેડિકલ રિપોર્ટના આધારે જયેન્દ્ર ડામોરે કોર્ટ પાસે પોતાના માટે કામચલાઉ મુક્તિની પરવાનગી પણ માંગી હતી જેથી તે તેની પત્ની સાથે IVF પ્રક્રિયામાં ભાગ લઈ શકે. હાઈકોર્ટે 16 ઓક્ટોબર 2025ના રોજ ડામોરને કામચલાઉ પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, જ્યારે બંને 28 ઓક્ટોબરના રોજ ફરીથી કોર્ટમાં હાજર થયા ત્યારે જસ્ટિસ એચ.ડી. સુથારની બેન્ચે પેરોલની મુદત 2 નવેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી હતી. કોર્ટે જોકે સ્પષ્ટતા કરી હતી કે આ રાહત માત્ર તબીબી હેતુઓ માટે જ આપવામાં આવી રહી છે અને કોઈ વધારાની હળવાશ આપવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયગાળો પૂરો થતાંની સાથે જ આરોપીએ સંબંધિત જેલ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક આત્મસમર્પણ કરવું પડશે.


