સુદાનના પશ્ચિમી ક્ષેત્ર દારફુરમાં ભૂસ્ખલનના કારણે 1,000 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. દેશ પર નિયંત્રણ રાખતા બળવાખોર જૂથ – સુદાન લિબરેશન મૂવમેન્ટ-આર્મીએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે તારસિન ગામમાં ઘણા દિવસોના ભારે વરસાદ પછી ભૂસ્ખલન થયું હતું. અહેવાલો અનુસાર, આ ગામ મધ્ય દારફુરના મરાહ પર્વતોમાં છે. તેને તાજેતરના વર્ષોની સૌથી ખરાબ કુદરતી આપત્તિ માનવામાં આવી રહી છે.
ગામમાં રહેતા લગભગ બધા લોકો મૃત્યુ પામ્યા
સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મીએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, તારસિન ગામમાં રહેતા લગભગ બધા લોકો મૃત્યુ પામ્યા છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. એવો અંદાજ છે કે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા છે. ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સહાય જૂથોને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરવા અપીલ કરવામાં આવી છે.


