અદાણી ગ્રુપે સોમવારે સ્પષ્ટતા કરી કે તે બેટરી ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી માટે BYD જેવી ચીની કંપનીઓ સાથે કોઈ જોડાણ કર્યું નથી. સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં, ગ્રુપ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે જણાવ્યું હતું કે ચીની કંપનીઓ BYD અને બેઇજિંગ વેઇલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે જોડાણના અહેવાલો ખોટા છે.
અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમે 4 ઓગસ્ટ 2025ના રોજ બ્લૂમબર્ગના અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ. જેમાં અદાણી ગ્રુપ અને ચીની કંપનીઓ BYD અને બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી વચ્ચે જોડાણ હોવાનું સૂચવવામાં આવ્યું છે.
આ અહેવાલ પાયાવિહોણો, ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે.
અદાણી ગ્રુપ ભારતમાં બેટરી ઉત્પાદન માટે BYD સાથે કોઈપણ પ્રકારના સહયોગની શોધ કરી રહ્યું નથી.
તેમજ, અમે કોઈપણ પ્રકારની ભાગીદારી માટે બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે કોઈ ચર્ચામાં નથી.”
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતમાં બેટરી બનાવવા અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં તેના પ્રયાસોને આગળ વધારવા માટે BYD એક્ઝિક્યુટિવ્સ સાથે “વ્યક્તિગત રીતે ચર્ચાઓનું નેતૃત્વ” કરી રહ્યા હતા. ગ્રુપ પાસે સ્વચ્છ ઉર્જાનો વિશાળ પોર્ટફોલિયો છે – સૌર મોડ્યુલ ઉત્પાદનથી લઈને પવન ઉર્જા સાધનો અને ગ્રીન હાઇડ્રોજન સુધી.
સાથે જ જૂથે અહેવાલ આપ્યો કે તે તેના સૌર મોડ્યુલ ઉત્પાદનને વાર્ષિક 10 ગીગાવોટ (GW) સુધી વિસ્તૃત કરી રહ્યું છે અને તેની પવન ટર્બાઇન ઉત્પાદન ક્ષમતાને લગભગ બમણી કરીને વાર્ષિક 5 GW સુધી પહોંચાડી રહ્યું છે. તે ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે સુવિધા સ્થાપિત કરવાનું પણ વિચારી રહ્યું છે.


