Emergency Landing: સૂત્રએ જણાવ્યું હતું કે એરબસ A320 નીઓ દ્વારા સંચાલિત આ ફ્લાઇટનું રાત્રે 9:52 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટને “ટેકનિકલ ખામી”ના કારણે મુંબઈ તરફ વાળવી પડી હતી.
સૂત્રએ જણાવ્યું હતું કે “દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6271 ને એક એન્જિનમાં ખામી સર્જાવાને કારણે મુંબઈ વાળવામાં આવી હતી અને ત્યારબાદ તેને કટોકટી જાહેર કરવામાં આવી હતી.”
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “16 જુલાઈના રોજ દિલ્હીથી ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી વખતે ફ્લાઈટ 6E 6271માં ટેકનિકલ ખામી જોવા મળી હતી. યોગ્ય કાર્યવાહી બાદ, વિમાનને ડાયવર્ટ કરીને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.” ઇન્ડિગોએ વિમાનમાં ખામી અને તેમાં સવાર મુસાફરોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી ન હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “જોકે, વિમાન ફરી શરૂ થાય તે પહેલાં જરૂરી તપાસ અને જાળવણીમાંથી પસાર થશે. મુસાફરી પૂર્ણ કરવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે મુસાફરો સાથે ટૂંક સમયમાં રવાના થશે.”
મુંબઈ એરપોર્ટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 9:52 વાગ્યે ફ્લાઇટ લેન્ડ થયા બાદ, મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ટર્મિનલ પર સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવી હતી.
મુંબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 16 જુલાઈના રોજ રાત્રે 9.35 કલાકે દિલ્હી-ગોવા ફ્લાઈટને ટેક્નિકલ ખામીને કારણે ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને 9.52 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને 9:57 વાગ્યે સંપૂર્ણ કટોકટી પાછી ખેંચી લેવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરપોર્ટની એકંદર કામગીરી પર કોઈ અસર થઈ નથી.


