દક્ષિણ પૂર્વ જિલ્લાના લાજપત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, જ્યારે નોકર મુકેશને તેની માલકણ રુચિકાએ ઠપકો આપ્યો, ત્યારે મુકેશ એટલો ગુસ્સે થયો કે તેણે રુચિકા સેવાની (42) અને તેના પુત્ર ક્રિશ (14) ની હત્યા કરી દીધી.
આરોપીએ બંનેના ગળું કાપીને હત્યા કરી હતી. રુચિકાનો મૃતદેહ બેડરૂમમાં પલંગ નીચે પડેલો મળી આવ્યો હતો, જ્યારે હર્ષનો મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યો હતો. રુચિકાના પતિએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નોકર મુકેશની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લાજપત નગર-1 વિસ્તારમાં એક મહિલા રુચિકા (42) અને તેના પુત્ર ક્રિશ (14) ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. શંકાસ્પદ ઘરેલુ નોકરની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસ મુજબ, ઘરેલુ નોકરે ખુલાસો કર્યો છે કે રુચિકાએ તેને ઠપકો આપ્યો હતો, તેથી જ તેણે તેમની હત્યા કરી હતી.
ડીસીપી સાઉથ ઈસ્ટ, હેમંત તિવારીએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 9.43 વાગ્યે, રુચિકાના પતિ કુલદીપ (44) એ પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની પત્ની અને પુત્ર તેના ફોનનો જવાબ આપી રહ્યા નથી. દરવાજો બંધ હતો, ગેટ અને સીડીઓ પર લોહીના ડાઘ હતા. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. ગેટ બળજબરીથી ખોલવામાં આવ્યો. ઘરની અંદરથી રુચિકા અને તેના પુત્રના મૃતદેહ મળી આવ્યા હતાં.
રુચિકા તેના પતિ સાથે લાજપત નગર બજારમાં કપડાની દુકાન ચલાવતી હતી. તેમનો દીકરો ક્રિશ ધોરણ 10નો વિદ્યાર્થી હતો. મુખ્ય આરોપી મુકેશ (24) અમર કોલોનીમાં રહે છે. તે કપડાની દુકાનમાં ડ્રાઇવર / દુકાન-હેલ્પર તરીકે કામ કરે છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.


