આપણી દુનિયામાં કરોડો પ્રકારના પશુ-પક્ષીઓ છે. જેમાંથી કેટલાકના નામ પણ આપણને ખબર નહીં હોય, તો કેટલાક આ દુનિયામાંથી લુપ્ત થઈ ગયા છે. પરંતુ આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરીશું, જેનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો આ વાત ચોક્કસથી નહીં જાણતા હોવ કે તેની પાંખો હોતી નથી.
હવે તમને સવાલ આવતો હશે કે, પક્ષી છે અને તેને પાંખો નથી? હા, આ વાત સાચી છે. પણ આ પક્ષીને પાંખો નથી એટલું જ નહીં, તે એક દેશનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. તો ચાલો આજે આ સવાલને લઈને અમે તમારી કેટલીક મૂંઝવણોને દૂર કરી દઈએ.
ગોળગોળ વાત કરતાં અમે તમને સીધું ને સટ્ટ આ પક્ષી વિશે જણાવી દઈએ કે, આ પક્ષીનું નામ કીવી છે, જે ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે. કીવીનું નામ આવતા તમને જરૂરથી એવો સવાલ થતો હશે કે, આ તો ફળ હોય છે. હા પણ એક એવું પક્ષી પણ જેનું નામ કીવી છે કારણ કે તે કીવીની જેમ દેખાય છે.
આ કીવીનો આકાર એક મોટી મરઘી જેટલો હોય છે. આ ક્રમમાં અન્ય પક્ષીઓ શાહમૃગ, ઈમુ, કેસોવરી વગેરે છે, જે ઉડી શકતા નથી. કીવી પક્ષી જાડા ગોળાકાર આકારનું હોય છે અને તે રેટીટ્સ નામના પક્ષીઓના પ્રાચીન વર્ગનો સભ્ય છે.
કીવીનું વૈજ્ઞાનિક નામ એપ્ટેરિક્સ છે. પક્ષીશાસ્ત્રીઓએ તેને એપ્ટેરગીફોર્મ્સ (Apterygiformes) ક્રમમાં સામેલ કર્યું છે. કીવી શરમાળ હોય છે અને રાત્રે વધુ સક્રિય હોય છે. તેની ચાંચ ખૂબ લાંબી હોય છે. કીવી મોટાભાગે ફળો અને નાની માછલીઓ ખાય છે. તેની સૂંઘવાની ક્ષમતા ઘણી તેજ હોય છે. તેનું નાક ચાંચના આગળના ભાગ પર સ્થિત હોય છે.
કીવીને પાંખો નથી તેથી આકાશમાં ઉડી શકતું નથી. તેમની પાંખો અને છાતીના સ્નાયુઓ અવિકસિત હોય છે, અને સ્ટર્નમ (સ્તનનું હાડકું) નથી. આનાથી તેઓ ખાસ કરીને કૂતરાના કરડવાથી થતી ઇજાઓ માટે સંવેદનશીલ બને છે.
એક સમયે ન્યુઝીલેન્ડમાં કીવીઓની સંખ્યા લગભગ 12 મિલિયન હતી, પરંતુ સમય જતાં તેમાં ઝડપથી ઘટાડો થયો અને હવે તેમની વસ્તી ઘટીને માત્ર 68 હજાર થઈ ગઈ છે. આ પછી કીવીઓના સંરક્ષણની માંગ વધી છે. કીવીઓની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને, ‘સેવ ધ કીવી ચેરિટી’ અને 90 અન્ય સંરક્ષણ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે જેથી તેમની વસ્તી વધારી શકાય.