પહેલગામ હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદુર તથા ત્યારપછી મીની આક્રમણના ઘટનાક્રમમાં પાકિસ્તાનનો કચ્ચરઘાણ નિકળી ગયો હોવાની વિગતો બહાર આવવા લાગી છે. પાકિસ્તાની એરફોર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો 20 ટકા સફાયો થયો હતો. ઉપરાંત એરફોર્સના અનેક યુદ્ધ વિમાનોને પણ ગંભીર નુકશાન થયુ હતુ.
માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે, ત્રાસવાદી અડ્ડાઓ પર ભારતના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ એટેકનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ભારતે વળતો આક્રમક પ્રહાર કર્યો હતો. ભારતે એફ-16 અને જે-17 યુદ્ધ વિમાનો ધરાવતા અરગોધા-ભેલારી સહિતના એરબેઝ તથા શસ્ત્રભંડારો પર ડ્રોન અને મિસાઈલથી પ્રહાર કર્યા હતા.
ભારતીય હુમલામાં 50થી વધુ સૈન્ય જવાનોના મોત થયા હતા. તેમાં સ્કવોડ્રન લીડર ઉસ્માન યુસુફ તથા એરફોર્સના અન્ય ચાર જવાનો ભોલારી એરબેઝ પર માર્યા ગયા હતા. પાક એરફોર્સના અનેક યુદ્ધવિમાનો પણ નષ્ટ થયા હતા.
આ સિવાય ચકાલાના નુરખાન, શરકોટના રફીકી, ચક્રવાલના મુરિદ, શકર, સિયાલકોટ, પસરૂર, ચુનિયાન સરગોધા, સ્કર્દૂ તથા જાકોદાબાદમાં એરબેઝ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ભારતના એટેક બાદ જકોદાબાદના શાહબાઝ એરબેઝની વિનાશક સેટેલાઈટ તસ્વીરો પણ બહાર આવી છે. ભારતની આ સ્ટ્રાઈકમાં પાકિસ્તાન વાયુદળનુ 20 ટકા ઈન્ફ્રાસ્ટ્રકચર નષ્ટ થયુ હતુ અને યુદ્ધવિમાનો રમકડા જેવા હોય તેમ નાશ પામ્યા હતા.
ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન પર કરેલા પ્રહાર બાદ પાકિસ્તાન ધીમે-ધીમે જાનમાલની નુકશાનીની એક પછી એક કબુલાત કરી જ રહ્યું છે. ભારતીય સૈન્યએ પાકના 35-40 સૈનિકો માર્યા ગયાનુ જાહેર કર્યુ હતુ તે સામે પાકિસ્તાને 11ના મોત સ્વીકાર્યા હતા અને 78 ઘાયલ હોવાનુ સ્વીકાર્યુ હતું.
ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરવામાં રાફેલ યુદ્ધવિમાન તથા બ્રહ્મોસ જેવી ઘાતક મિસાઈલનો ઉપયોગ કર્યો જ હતો અને તે પછી જ ભયભીત બની ગયેલા પાકિસ્તાને સીઝફાયર કરવાની કાકલુદી કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ભારતના એકાદ-બે પ્રહારમાં જ પાકિસ્તાની એરફોર્સની 20 ટકા તાકાત નાશ પામી હતી. જયારે યુદ્ધ વધુ ચાલે તો પાકિસ્તાન લાંબી ઝીક ઝીલી ન શકે તેવુ પારખી ગયેલા પાકિસ્તાને યુદ્ધવિરામની મુહાર ગુહાર લગાવી હતી અને ભારતે સ્વીકાર કર્યો હતો છતાં હવે કોઈપણ અટકળો થાય તો મોંઘો પડવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.