અનીસ (અપમૃત્યુ નિવારણ સહાય) સંસ્થાની આગેવાની હેઠળ સુરત શહેરમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત એક સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સીમાના વીર જવાનોના સન્માન અને રાષ્ટ્રસેવાના ઉમદા ભાવ સાથે યોજાયેલી આ શિબિરમાં ૫૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિર સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. આ કેમ્પમાં શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ડી.સી.પી. રાજેશ પરમાર, એ.સી.પી. દીપ વકીલ અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.સી. ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
શિબિરનું એક વિશેષ આકર્ષણ લેજન્ડ પબ્લિક સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિદ્યાર્થી બાળકો રહ્યા હતા, જેઓ ભારતીય સેનાની યુનિફોર્મમાં મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો. અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતાબેન શ્રોફે પોતાના પ્રેરણાદાયી સંબોધન દ્વારા ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભાવના જગાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભારતનો નાગરિક હવે માત્ર દર્શક નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સક્રિય ભાગીદાર બનશે.”
અનીસ સંસ્થાએ મોરા ગ્રામ પંચાયત, લેજન્ડ પબ્લિક સ્કૂલ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થા દ્વારા આગામી દિવસોમાં પણ વધુ રક્તદાન અભિયાન યોજવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.