ગત તા.22 એપ્રિલના પહેલગામમાં પાક આતંકી સંગઠન લશ્કરે તોઈબા પ્રેરીત ત્રાસવાદી હુમલા અને 26 હિન્દુ પુરુષોની નામ-ધર્મ-ઓળખ પુછીને કરવામાં આવેલી હત્યાના એક આક્રમક બદલો લેતા ભારતીય સેનાએ આજે પાકિસ્તાન તથા તેના કબ્જા હેઠળના કાશ્મીરમાં અને પાકના પંજાબ પ્રાંતમાં કુલ નવ સ્થળોએ મિસાઈલ તથા ડ્રોન હુમલા કરી જૈશ એ મોહમ્મદના બહાવલપુરના વડામથક તથા અનેક ત્રાસવાદી ‘આકા’ ઓના નિવાસ તથા ઓફિસો ઉડાવી દીધા હતા.
જેમાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે અને ભારતના આ હુમલાના પગલે પાકિસ્તાનમાં દહેશતની સ્થિતિ બની ગઈ છે. આ હુમલામાં 26/11 થી પહેલગામ સહિતના હુમલા માટે જવાબદાર હાફિસ સઈદના અડ્ડાઓને નિશાન બનાવ્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વધુ એક સર્જીકલ સ્ટ્રાઈકને ‘ઓપરેશન-સિંદુર’ નામ અપાયુ હતું.
પહેલગામમાં જે રીતે 26 ભારતીય હિન્દુ મહિલાઓના સિંદુર પાક પ્રેરિત આતંકીઓએ ભૂસી નાખ્યા તેનો બદલો લેવા થયેલા આ ઘાતક સૈન્ય ઓપરેશનથી આજે સમગ્ર દેશ ઝૂમી ઉઠયો છે અને શ્રી મોદી તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ઓપરેશનનું ‘લાઈવ’ નિહાળીને બાદમાં સેનાને અભિનંદન આપ્યા છે તો બીજી તરફ ભારતના આ આકરા પ્રહાર બાદ હવે પાક કોઈ વળતો જવાબ આપવાની કોશીશ કરે તો સીમા સહિત દેશભરમાં એલર્ટ જારી કરાયુ છે.
1971ના ભારત-પાક વચ્ચેના પુર્ણ યુદ્ધ બાદનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે જેમાં મુખ્યત્વે જૈશ એ મોહમ્મદ, લશ્કરે તોઈબા અને હીઝબુલ મુજાહીદીનના નવ મથકોને નિશાન બનાવાયા હતા.
લાંબી તૈયારી બાદ ગઈકાલે મધરાત બાદ સેનાના વોર રૂમના મોનેટરીંગ હેઠળ સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદુરમાં હવાઈદળ, ભૂમિદળ અને નૌકાદળ ત્રણેયએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો અને પુરા હુમલામાં અચૂક નિશાન પાર પાડતી વેપન સીસ્ટમ- પ્રિસીશન સ્ટ્રાઈક વેપન્સનો ઉપયોગ થયો અને આ હુમલા લોયટરીંગ મ્યુનિશેન એટલે કે ઘાતક ડ્રોનનો પણ ઉપયોગ થયો હતો.
ભૂમીદળના એડીશ્નલ ડાયરેકટર જનરલ ઓફ પબ્લીક ઈન્ફર્મેશનના એકસ હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી મુજબ રાત્રીના 1.28 કલાકના હુમલો થયો હતો. 64 સેક્ધડના આ વિડીયોમાં પ્રહારામ સન્નીહિતા: જયાય પ્રશિક્ષિતા: એટલે કે હુમલા માટે તૈયાર અને જીત માટે તાલીમબદ્ધ છીએ.
જેમાં ઓપરેશન સિંદુરના કેપ્શન સાથે લખાયુ કે ઈન્સાફ પુરો થયો! આ હુમલામાં ભારતીય હવાઈદળના ભારતે બે વર્ષ પુર્વે ફ્રાન્સ પાસેથી ખરીદેલા રાફેલ જેટ વિમાનો પ્રથમ વખત આ પ્રકારના ઓપરેશનમાં સામેલ થયા હતા.
ત્રણ ભારતીય રાફેલ જેટ જે સ્કેલ્પ રુઝ મિસાઈલ અને હામેર પ્રેસીયસ ગાઈડેડ બોમ્બથી આ હુમલો કર્યો હતો અને ભારતીય હવાઈ સીમામાંથી જ આ હુમલો કરાયો અને નૌકાદળ એ આ ઓપરેશનમાં દરિયામાંથી હવામાં પ્રહાર કરતા મિસાઈલ દાગ્યા હતા.
આ ઓપરેશન બાદ ત્રણેય રાફેલ જેટ વિમાનો સલામત રીતે એરબેઝ પર લેન્ડ થયા હતા. આ હુમલાના પગલે મધરાતે પાકના પંજાબ ક્ષેત્ર ઉપરાંત પાક કબ્જાના કાશ્મીરમાં રાત્રીના યુદ્ધના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.
ઈમારતો આગમાં લપેટાઈને ધ્વંશ થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી અને લોકો ચીસાચીસ પણ કરતા હતા. લગભગ 30 મીનીટ સુધી આ દહેશત ભર્યુ વાતાવરણ સર્જાયુ અને બાદમાં બન્ને દેશો વચ્ચે સીમા પર પણ ભારે તોપમારો અને ગોળીબાર ચાલુ છે.
ત્રણેય લશ્કરી પાંખના વડાના ‘હળવા મૂડ’ની આ તસ્વીરથી એવું લાગે કે રાત્રે સ્ટ્રાઈક થવાની છે?
ભારતે મોડી રાત્રે પાકિસ્તાન તથા પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી અડ્ડાઓ ઉપર ભીષણ હુમલો કર્યો હતો. આ પૂર્વે ગઈકાલે સાંજે ભારતીય સૈન્યની ત્રણેય પાંખોના વડા એક સ્થળે એકત્રીત થયા હતા અને એકદમ હળવા અને હસી મજાકના મૂડમાં દેખાયા હતા.
ગઈ સાંજની આ તસ્વીરમાં પરથી કોઈને એવો અંદાજ પણ આવી શકે તેમ ન હતો કે રાત્રે ભારત પાકિસ્તાન પર ભીષણ ઓપરેશન કરવાનું છે.
ખુંખાર ત્રાસવાદી અબ્દુલ મલિક હણાયો
ભારતના ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાન ખાતેનાં 9 ત્રાસવાદી ડ્ડાને નિશાન બનાવાયા છે. 100 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો થયો છે. ત્રાસવાદી વડા હાફીઝ સઈદ સહિતને ટારગેટ કરાયા છે.
લશ્કર એ તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહીદીન, જેવા ત્રાસવાદી સંગઠનોનાં કેમ્પોનો સફાયો કરાયો છે. ખુંખાર આતંકવાદી અબ્દુલ મલિક પણ તેમાં હણાયો હતો.
પાકિસ્તાન તથા પાક કબ્જાના કાશ્મીરના કયા સ્થળો નિશાન
* મુઝફરાબાદ
* બરાવલપુર
* કોટી
* ચાક અમરૂ
* ગુલપુર
* ભીમ્બર
* મુરીડકે
* સિયાલકોટ નજીકનો કેમ્પ