પવિત્ર અમરનાથ ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બનતા બરફના શિવલિંગનાં દર્શન માટે લાખો ભાવિકો અમરનાથ યાત્રાએ જાય છે અને આ વર્ષે ત્રીજી જુલાઈથી શરૂ થનારી આ યાત્રા પહેલાં અમરનાથ ગુફામાં શિવલિંગ બનવાની શરૂઆત થઈ ચૂકી છે.
આ વર્ષે યાત્રા શરૂ થવાના આશરે બે મહિના પહેલાં જ શિવલિંગ ભવ્ય આકાર લેતું જોવા મળી રહ્યું છે. બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવતાં શિવભક્તોમાં ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે.
અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિનાની વાર છે એ પહેલાં પંજાબના કેટલાક ભાવિકો અમરનાથ ગુફા સુધી પહોંચ્યા હતા અને તેમણે આ તસવીરો લીધી હોવાની જાણકારી મળી છે. આ દૃશ્ય જોવા માટે લાખો ભાવિકો આખું વર્ષ રાહ જોતા હોય છે.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાએ ગઈ કાલે અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્રીજી જુલાઈથી શરૂ થનારી યાત્રા 19 ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.