દાણચોરી માટે ફેવરીટ અમદાવાદ એરપોર્ટ હવે હાઈબ્રિડ ગાંજાનું દેશનું પ્રવેશ દ્વાર બની ગયુ હોય તેવો ઘાટ થયો છે.બેંગકોકથી આવી રહેલી મુસાફર પાસેથી ફરી એર ઈન્ટેલીજન્સ યુનિટે રૂા.19.72 કરોડનો 19,728 કિલો હાઈડ્રોપોનિકસ ગાંજો ઝડપી લીધો હતો.
આ મુસાફર ગાંજો કોના માટે લાવી રહ્યો હતો તેની તપાસ ચાલી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા પખવાડીયામાં 110 કરોડનો હાઈડ્રોપોનિકસ ગાંજો ઝડપાયો છે જે ચિંતાજનક બાબત છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ટેલીજન્સ યુનિટનાં અધિકારીઓને બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલી એક ફલાઈટમાં એક મહિલા મુસાફર ગાંજાનો જથ્થો લઈને આવે છે. તેને પગલે અધિકારીઓ એલર્ટ બની ગયા હતા.
ફલાઈટ લેન્ડ થાય બાદ બાતમીવાળી મહિલા મુસાફરને અલગ તારવવામાં આવી હતી. પૂછપરછ કરતાં તેણે પોતાની પાસે કંઈ વાંધાજનક ચીજ ન હોવાની કેફીયત રજુ કરી હતી. જોકે તેની તપાસ કરતાં ટ્રોલી બેગમાંથી 18 એરટાઈટ પેકેટ મળી આવ્યા હતા.
જેમાં લીલાશ પડતાં ગઠ્ઠાવાળો પદાર્થ હતો. ડિપાર્ટમેન્ટે તેની તપાસ કરાવતાં આ પેકેટમાં પ્રતિબંધીત હાઈડ્રોપોનિકસ ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ આ 19.72 કરોડનો 19,728 કિલો ગાંજો કબ્જે લઈ ગાંજો લાવનાર મહિલાની તપાસ આદરી છે.