કેદારનાથ ધામના કપાટ વિધી વિધાન સાથે આજે સવારે 7 વાગ્યે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. આ તકે ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા. પૂજારીઓનાં મંત્રોચ્ચાર અને શ્રધ્ધાળુઓના જયજયકાર વચ્ચે કપાટ ખોલાયા હતા.
કપાટ ખુલતા પહેલા બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ પહોંચી હતી. બાબાના દર્શને આશરે 15 હજારથી વધુ શ્રધ્ધાળુઓ અગાઉથી જ પહોંચી ગયા હતા.
કપાટ ખુલ્યા ત્યારે બમ બમ ભોલે-હર હર મહાદેવના જયકાર વચ્ચે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. કેદારનાથ મંદિરને 108 કિવન્ટલ ફૂલોથી સજાવાયું હતું.