દિલ્હી ગોવાના શિરગાંવમાં લેરાઈ યાત્રા દરમ્યાન નાશભાગ મચતા 7 શ્રધ્ધાળુઓનાં મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભીડના કારણે ભાગદોડ મચતાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગોવાના શિરગાંવમાં આયોજિત લરાઈ ‘જાત્રા’ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના કચડાઈ જતા મોત થયા જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ’જાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા. ભારે ભીડને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં જ, મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો.
લરાઈ દેવી એક પૂજનીય હિન્દુ દેવી છે જે મુખ્યરૂપે ગોવામાં ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં પૂજા કરાય છે. લરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને આજુબાજુના ક્ષેત્રોથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. લરાઈ દેવી જાત્રાને શિરગાંવ જાત્રાના નામે પણ ઓળખાય છે. તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ મનાય છે.