ગઇકાલે પણ રાજયમાં આકરો તાપ યથાવત રહ્યો હતો. રાજકોટમાં 43.6, અમદાવાદમાં 43.5, અમરેલીમાં 42.8, વડોદરામાં 40.8, ભુજમાં 41, ડિસામાં 42.8, દિવમાં 40 અને ગાંધીનગર ખાતે 43 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
દરમ્યાન રાજ્યમાં હવામાન વિભાગે 3 થી 7 મેં સુધી અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જો કે, આજે લોકોને ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં 42 ડિગ્રી આસપાસ ગરમી રહેવાનું પૂર્વાનુમાન છે. આવતીકાલ (શનિવાર)થી વાતાવરણમાં પલટો આવશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમય માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે મહતમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. ત્યારબાદ 2 થી 4 ડિગ્રી જેટલું મહતમ તાપમાન ઘટશે. 3 થી 7 મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે ઓછાથી માધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ છે.
જયારે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.5-5થી તા.6-5 દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખૂલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.
તથા જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુતમ તાપમાનમાં 1.2 ડિગ્રીના ઘટાડા સાથે પારો 24 ડિગ્રી નોંધાયો હતો.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 5 ટકા ના ઘટાડા સાથે 71 ટકા નોંધાયું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 11.3 કિમિ રહી હતી.
કઇ તારીખે કયા જિલ્લામાં માવઠાની આગાહી
3 મે : કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા
4 મે : કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર
5 મે : કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ
6 મે : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ