વિકસિત ભારત 2047માં વિકસિત ગુજરાત 2047ને અગ્રેસર રાખવાના ધ્યેષથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને તેની કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ગુજરાત વહીવટી સુધારણા પંચના બીજા અહેવાલમાં 10 ભલામણો કરવામાં આવી છે.
જેમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટેનો સમય સવારે 9:30થી સાંજે 5:10 કરવા સૂચવાયું છે. આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને વર્ક-લાઈફ બેલેન્સના અભિગમને ધ્યાનમાં રાખતા અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાશે.
સિનિયર નિવૃત્ત આઈએએસ ઓફિસર ડો. હસમુખ અઢિયાના ગુજરાત વહીવટી સુધારણા પંચ(GARC)ની રચના કરી હતી. આ પંચે એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. હવે GARC અધ્યક્ષે બીજા મહિને 10 ભલામણો સાથેનો દ્વિતીય અહેવાલ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે.
GARCના આ દ્વિતીય ભલ પણ અહેવાલમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે. તેમાં સરકારી વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ-2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ માટેની (GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે.
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામા આવેલા સત્તાવાર પ્રમાણપત્રો, લાઈસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અપિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઇનેબલ્ડ QR – આધારિત પદ્ધતિ વિકસાવવા પર ભાર મૂકાયો છે.
હાલના સ્વાગત પ્લેટફોર્મને વપુ વ્યાપક બનાવીને સરકાર વિવિષ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરાશે. જેના કારણે નાગરિકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે ઈમેઈલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ જેવી બહુવિધ ચેનલો પ્રદાન કરશે.
આ ઉપરાંત એવી પણ ભલામણ કરવામાં આવી છે કે, સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વપુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.
સરકાર આગામી 6 મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સૂચવાયુ છે.
મુખ્ય ભલામણ: ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ’ વિકસાવાશે
સરકાર ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ’ વિકસાવશે. બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowlage Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. જેથી સંસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય.
આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે Know Your Department થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે. જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થશે.
GARCના દ્વિતિય અહેવાલની 10 ભલામણો
- સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી
- નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું
- સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા
- ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી
- ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવું
- અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું
- સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ
- બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ
- શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો, જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય.
- સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ